ભાજપ અને કોંગ્રેસ બન્નેના સભ્યોએ ભેગા મળી પરિપત્ર રદ કરવાનો પ્રસ્તાવ મુક્યો : આ પરિપત્રમાં સરકારની વહીવટી સુચનાનો અમલ જ કરવામાં આવ્યો હોવાનો ડીડીઓનો જવાબરૂ.707 કરોડના 234 વિકાસકામોને મળી મંજૂરી : ગૌચર, પવનચક્કી, કાર્યવાહીની નોંધ ન મળવી સહિતના મુદ્દાઓ ઉછળ્યા : એક સફાઈ એજન્સીને બ્લેક લિસ્ટ કરાઈમોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં બાંધકામ અંગે કરેલા પરિપત્રનો ભારે વિરોધ થયો હતો. આ પરિપત્રને લઈ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના સભ્યોએ રોષ પ્રગટ કરી તેને રદ કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો. બીજી બાજુ ડીડીઓએ જણાવ્યું કે પરિપત્રમાં સરકારની વહીવટી સુચનાઓનું પાલન જ કરાવવામાં આવ્યું છે. આ સામાન્ય સભામાં રૂ.707.70 કરોડના 234 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે 4 કરોડથી વધુના કામોને વહીવટી મંજૂરી અપાઈ હતી. પ્રમુખના નિવાસ સ્થાને ટીવી, ફ્રીઝ, એસી, ગેસનો ચુલો સહિતના સાધનો ખરીદવાન કામ સહિતના 16 જેટલા મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી. આ સાથે વર્ષ 2025-26ના બજેટમાં રહેલ બચત રકમ જે 6 કરોડની છે તેમાં 10 ટકા અનામત રાખી વિકાસ કામોમાં ફાળવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં વિપક્ષ નેતા ભુપતભાઇએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પ્રશ્નો રજૂ થઈ શકે તે માટે સામાન્ય સભા બોલાવવામાં આવે છે. પણ સભા રેગ્યુલર બોલાવવામાં આવતી નથી. વધુમાં સમિતિની કાર્યવાહીની નોંધ ચેરમેનો અને હોદ્દેદારોને મળતી ન હોવાનો પ્રશ્ન રજૂ થયો હતો. જેથી ડીડીઓએ સમિતિના અધિકારીઓને સૂચના આપી કે હોદ્દેદારોને કાર્યવાહીની નોંધ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.આ બેઠકમાં અંદાજે 30 મિનિટ સુધી બાંધકામ અંગેનો જે પરિપત્ર કર્યો છે તેનો વિરોધ ચાલ્યો હતો. જેમાં અજય લોરિયાએ જણાવ્યું કે અમે ગામડે જઈ શકતા નથી. આગામી સમયમાં ચૂંટણી આવે છે. અમારે ક્યાં મોઢે ગામમાં જવું. નવા પરિપત્ર અનુસાર સરપંચની સહીથી બાંધકામ મંજૂરી મળતી નથી. પરિપત્ર અનુસાર તલાટીએ અરજી સરકારી એન્જીનીયરને આપી નિયમોનુસાર પ્લાન છે કે નહીં તેની સ્ક્રુટીની કરાવી બાદમાં ઠરાવ અર્થે મુકી બાદમાં મંજૂરી આપવાની થતી હોય છે. પણ આ નવા પરિપત્ર બાદ અરજીઓ પેન્ડિંગ રહી હોવાનો પ્રશ્ન રજૂ થયો હતો. જેથી ડીડીઓએ કહ્યું કે વધુ અરજી પેન્ડિંગ નથી અને જે પેન્ડિંગ હશે તેનો ત્રણ દિવસમાં ઉકેલ આવી જશે. તલાટી બાંધકામ મંજૂરી આપવાની કામગીરી તેની ન હોવાનું જણાવતા હોવાનો પ્રશ્ન ઉઠતા ડીડીઓએ કહ્યું કે આવું બને તો જિલ્લા પંચાયતને જાણ કરો. જવાબદાર તલાટી વિરૂદ્ધ નિયમોનુસાર કાર્યવાહી થશે. વધુમાં સભ્યોએ જણાવ્યુ કે આ નવા નિયમથી ભ્રષ્ટાચાર વધશે. સેક્સન ઓફિસર પણ યોગ્ય રીતે કામ કરતા નથી. સભ્યોએ એમ પણ કહ્યું કે આવો નિયમ બીજે ક્યાંય લાગુ નથી. જેના પ્રત્યુત્તરમાં ડીડીઓએ કહ્યું કે આ સરકારની વહીવટી સૂચના છે તેનું પાલન કર્યું છે. નગરપાલિકાઓ અને મહાપાલિકાઓમાં આ જ રીતે બાંધકામની મંજૂરી અપાઈ છે. આ બેઠકમાં ગૌચરની કેટલી જમીન છે તેનો પ્રશ્ન ઉઠ્યો હતો. જેમાં સભ્યએ કહ્યું કે છેલ્લા એક વર્ષથી જિલ્લા પંચાયતને ગૌચરની જમીનનો ખ્યાલ નથી. દર સામાન્ય સભામાં આ મામલે પ્રશ્ન ઉઠે છે પણ જિલ્લા પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ડીડીઓએ કહ્યું કે ગૌચરની જમીનની લાઈન નક્કી કરવા ડીઆઈએલઆરને જાણ કરી છે. આ વિભાગ કલેકટર હસ્તક છે. ફરીથી તેને રજુઆત કરાશે. આ બેઠકમાં ગેરકાયદે પવન ચક્કી હટાવવા, નાની સિંચાઈ હસ્તકના તળાવમાં થાંભલા હટાવવા સહિતની ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં યોગ્ય રીતે ફસાઈ ન થતી હોય અને સફાઈ કર્મચારીના પગારમાં અનિયમિતતા હોવાથી ઉમા એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.