સરકારે ફાયર બ્રિગેડ વિભાગને 7 કરોડનું ટન ટેબલ લેડર મશીન ફાળવ્યું : ફાયર વિભાગે નવા 10 વાહનો માંગ્યામોરબી : મોરબી શહેરનો વસ્તી વ્યાપ દિવસે -દિવસે વધી રહ્યો છે ત્યારે નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબીમાં હવે અગ્નિશમન વિભાગને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરમા ગુજરાત સરકારે નવી પાંચ મહાનગર પાલિકાને નવા સાધન ભેટ આપ્યા છે જેમાં હવે મોરબીમાં આઠ માળ સુધીના બિલ્ડિંગમાં આસાનીથી આગ બુઝાવી શકાય તેવું ટન ટેબલ લેડર મશીન આપવામાં આવ્યું છે જેથી મોરબી ફાયર બ્રિગેડની અગ્નિશમનની તાકાતમાં વધારો થયો છે.રાજ્ય સરકાર દ્વારા મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, નવસારી અને નડિયાદ સહિત નવી પાંચ મહાનગર પાલિકાઓને રૂપિયા 7-7કરોડની કિંમતના ટીટીએલ એટલે કે, ટન ટેબલ લેડર મશીન આપવામાં આવ્યા છે. આ ટન ટેબલ લેડર મશીન વડે હવેથી ફાયર બ્રિગેડની ટીમો 8 માળની ઉંચાઈ સુધી આસાનીથી રેસ્ક્યુ તેમજ ફાયર ફાઇટિંગ બન્ને કાર્યવાહી કરી શકશે. આ નવીનતમ અગ્નિશમન સાધનમાં 2500 લીટર પાણીની ક્ષમતા ઉપરાંત બ્રાઉઝર સાથે જોડી પાણીનો મારો ચલાવી શકાય છે.ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગરપાલિકા પાસે હાલમાં એક મોટુ બ્રાઉઝર, એક ફાયર ફાયટર, એક ઇમરજન્સી વાહન સહીતના સાધનો છે સાથે જ ફાયર બ્રિગેડ દ્વારા 2 વોટર કમ ફોમ તેમજ 2 મીની ટેન્ડર તેમજ એક કવીક રિસ્પોન્સ સહિતના 10 વાહનોની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હોવાનું અગ્નિશમન વિભાગના સુત્રો જણાવી રહ્યા છે.બીજી તરફ મોરબી અગ્નિશમન વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવાની સાથે ફાયર એનઓસી મુદ્દે ધડાધડ નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે જે અન્વયે અત્યાર સુધીમાં શહેરમાં 400 અસામીઓને નોટિસ ફટકરાવામાં આવી છે.ફાયર બ્રિગેડે બે વર્ષમાં 9 મેજર અને 388 માઇનોર કોલ એટેન્ડ કર્યાસીરામીક નગરી મોરબીમાં જુનવાણી સાંકડા રસ્તા અને ટાંચા સાધનો હોવા છતાં ફાયર બ્રિગેડે છેલ્લા બે વર્ષમાં કુલ મળી 388 માઇનોર કોલ, 9 મેજર કોલ એટેન્ડ કરી 120 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. મોરબીના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ વર્ષ 2023-24માં 5 મેજર, 169 માઇનોર અને 41 રેસ્ક્યુ કરાયા હતા. જયારે વર્ષ 2024-25માં 3 મેજર કોલ, 176 માઇનોર કોલ તેમજ 76 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જયારે મે 2025 સુધીમાં 1 મેજર, 43 માઇનોર કોલ એટેન્ડ કરી 3 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.હયાત ફાયર સ્ટેશન આધુનિક બનશેમોરબી શહેરમાં હાલમાં સુધારા શેરીમાં આવેલ ફાયરબ્રિગેડ વિભાગનું બિલ્ડીંગ હવે જર્જરિત બન્યું છે ત્યારે અહીં આધુનિક ફાયર સ્ટેશન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું ફાયરબ્રિગેડના વર્તુળો જણાવી રહ્યા છે. હાલમાં મોરબી મહાનગર પાલિકા પાસે એક ચીફ ફાયર ઓફિસર, એક ડેપ્યુટી ફાયર ઓફિસર, 3 ડ્રાઇવર, 9 ફાયરમેન અને 6 કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓનું મહેકમ છે જેમાં આગામી સમયમાં નવા વાહનો અને સ્ટાફની ભરતી કરવા પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવફાનું સૂત્રો જણાવી રહ્યા છે.