કાલિકા પ્લોટનો બનાવ : એક બાળક અને મહિલા હડફેટે આવતા માંડ બચ્યા : સ્થાનિકોએ ટ્રેકટર થોભાવી સુપરવાઈઝરને બોલાવ્યા પણ તેઓ ગોળ ગોળ વાતો કરી છટકી ગયામોરબી : મોરબીમાં મહાપાલિકાના ડોર ટુ ડોર કલેકશનના ટ્રેકટરો બેફામ બન્યા હોય ગમે ત્યારે અકસ્માતો સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે કારણકે બીજો એવો બનાવ સામે આવ્યો છે કે ટ્રેકટરનો ડ્રાઇવર પીધેલી હાલતમાં શેરીઓમાં કચરો કલેક્ટ કરવા નીકળ્યો હોય, ત્યારે આ ટ્રેકટર ચાલકો કોઈનો જીવ લેશે તો જવાબદારી કોની ? તેવો પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ પાંચેક દિવસ પૂર્વે મહાપાલિકાનું ડોર ટુ ડોર ગાર્બેજ કલેકટ કરવાનું ટ્રેકટર ચલાવતો ડ્રાઇવર શનાળા રોડ ઉપર પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જો કે કોઈ આકરી કાર્યવાહી ન થતા આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે કાલિકા પ્લોટ વિસ્તારમાં પણ ટ્રેકટરનો ડ્રાઇવર ચિક્કાર નશામાં જોવા મળ્યો હતો. એક મહિલા અને બાળક ટ્રેકટરની હડફેટે આવતા માંડ બચ્યા હતા. જેને કારણે સ્થાનિકોએ આ ટ્રેકટર થોભાવી દીધું હતું અને ડ્રાઇવરને નીચે ઉતાર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓએ સુપરવાઈઝરને ફોન કરતા સુપરવાઈઝર ઘટના સ્થળે આવ્યા હતા. તેઓએ પોલીસને જાણ કરવાને બદલે ડ્રાઇવરને છાવરવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રેક્ટરમાંથી ટ્રેકિંગ કાઢીને ચાલતી પકડી હતી. ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવાનો આ કોન્ટ્રાક્ટ શ્રીજી એજન્સીનો હોય, આ ટ્રેકટર અને ડ્રાઇવર તેનો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સેનિટેશન વિભાગના શાખા અધ્યક્ષ અનુરાગ સંતોકીએ જણાવ્યું કે સમગ્ર બનાવ અંગે તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકાના અધિકારીએ તપાસ કરવાનું કહ્યું છે, પરંતુ આ એજન્સી સામે શુ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.