સીએનજી રીક્ષા ચાલક તેમજ એક અજાણી સ્ત્રી અને પુરુષ વિરુદ્ધ ફરિયાદ, આરોપીઓ હાથવેંતમાં હોવાના સંકેતમોરબી : મોરબી શહેરમાં 15 દિવસ પૂર્વે નવા ડેલા રોડથી શાકમાર્કેટ આવવા માટે રીક્ષામાં બેઠેલા વૃદ્ધ સાથે ધક્કામુકી કરી ખિસ્સામાંથી રૂપિયા 18 હજાર સેરવી લેવાના બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાના સંકેત મળી રહ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના બાયપાસ રોડ ઉપર કામધેનુ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભરતભાઇ હીરાભાઈ ડાભી ઉ.59 નામના વૃદ્ધે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.17 જુનના રોજ તેઓ ઘરનો કરિયાણાનો સામન લેવા માટે નવા ડેલા રોડ ઉપર ગયા બાદ શાકભાજી લેવા માટે શાક માર્કેટ જવું હોય નવા ડેલા રોડ ઉપરથી સીએનજી રીક્ષામાં બેઠા હતા.બીજી તરફ સીએનજી રીક્ષામાં અગાઉથી જ એક મહિલા અને પુરુષ બે ત્રણ બાળકો સાથે બેઠા હતા અને ફરિયાદી રીક્ષામાં બેસતા ચાલુ રીક્ષાએ ધક્કા મૂકી કરી મારા બાળકો દબાઈ જશે કહી ભરતભાઈને સાઈડમાં બેસવાનું કહી નજર ચૂકવી ખિસ્સામાં રહેલા 18 હજાર રૂપિયા તફડાવી લીધા હતા. બાદમાં રીક્ષા સિવિલ હોસ્પિટલ પાસે પહોંચતા રીક્ષા ચાલકે ભરતભાઈને ઉતારી રીક્ષા ભગાવી મૂકી હતી. 15 દિવસ પૂર્વે બનેલા આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક તેમજ અજાણી સ્ત્રી અને પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે.