મૃતક ખેડૂતના પુત્રએ નોંધાવેલી ફરિયાદના ગુનામાં સરપંચે કરેલી અરજી ફગાવાઈમોરબી : મોરબી શહેરના વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી ખેતીની જમીન ગેરકાયદેસર રીતે વારસાઈ નોંધ કરાવી બાદમાં દસ્તાવેજ કરી પચાવી પાડવાના પ્રકરણમાં માળિયાના તરઘરી ગામના આરોપી સરંપચ સાગર ફુલતરિયાને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. મોરબીના વજેપરમાં સર્વે નંબર-૬૦૨ની જમીનમા ખોટી વારસાઈ નોંધ કરાવી હડપ કરવા મામલે મોરબી શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતાબહેન મનજીભાઈ પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર અંબારામ ફુલતરિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સ્વર્ગસ્થ ખેડૂતના પુત્ર ભીમજીભાઈ નકુમે નોંધાવેલી આ ફરિયાદના ગુનામાં આરોપી સરપંચ તરફથી ધરપકડ ટાળવા ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરાઈ હતી.લાંબા સમયથી ફરાર આરોપી સરપંચ સાગર અંબારામ ફુલતરિયાએ ધરપકડથી બચવા માટે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હોય આ કેસમાં જામીન અરજીનો વિરોધ કરતાં સરકારપક્ષ અને ફરિયાદપક્ષ તરફથી જણાવાયું હતું કે, વિવાદીત જમીન ફરિયાદીના પિતાની માલિકીની છે. જો કે, તેમના પિતા બેચરભાઈ નકુમ ૧૯૯૯માં ગુજરી ગયા હતા.જે જમીન તેમના ભાગે આવી હતી અને હાલમાં કબ્જો પણ ફરિયાદીનો જ છે. જો કે, ફરિયાદી અભણ અને અજ્ઞાન હોઈ તેમ જ પરિવારમાં વારસદારોની સંખ્યા પણ વધુ હોઈ રેવન્યુ રેકર્ડમાં વારસાઈ નોંધ કરાવી શક્યા ન હતા. આ બાબતનો ગેરલાભ ઉઠાવી આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ખોટા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે ખોટી વારસાઇ એન્ટ્રીઓ પાડી દેવાઈ હતી અને બાદમાં શાંતબહેન પરમાર નામની મહિલાએ આરોપી સરપંચ સાગર અંબારામ ફુલતરિયાના નામે દસ્તાવેજ પણ કરી નાંખ્યો હતો.મોરબીના ચકચારી વજેપર રેવન્યુ સર્વે નંબર 602ની કરોડોની કિંમતી જમીન કૌભાંડમાં સંડોવાયેલ સરપંચ સાગર ફુલતરિયાની આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે અનેક સાક્ષીઓના નિવેદનો લીધા છે અને અગત્યના દસ્તાવેજો સહિતના પુરાવાઓ એકત્ર કર્યા છે, જેમાં આરોપીની સીધી સંડોવણી સ્પષ્ટ થાય છે ત્યારે ખૂબ જ ગંભીર એવા કૌભાંડની તપાસ ચાલુ હોઈ તપાસના કામે આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન ખૂબ જરૂરી હોય કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવી દેવા જોઇએ. બન્ને પક્ષની દલીલ બાદ હાઈકોર્ટે આરોપી સરપંચની આગોતરા જામીન અરજી ફગાવતાં જણાવ્યું હતું કે, અરજદાર વિરૂધ્ધ ગંભીર પ્રકારનો પ્રથમ દર્શનીય ગુનો બને છે. ત્યારે તપાસના કામે આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી હોઇ આગોતરા જામીન આપી શકાય નહી.