મોરબી : આજ રોજ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલા 33 જેટલા ધોરણ 11 અને 12 ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. કમિશનર કચેરી ગાંધીનગરથી મોરબી જિલ્લાને કુલ 34 જેટલા શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી જેમાંથી 33 જેટલા શિક્ષો હાજર થતાં સરકારી ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ઘટ દૂર થતાં શાળાઓમાં અને વિદ્યાર્થીઓમાં રાજીપો જોવા મળ્યો છે.જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને અધુરાશને મધુરાશમાં ફેરવી વર્ગખંડ અને શાળાઓને નંદનવન બનાવવાની શીખ આપી હતી. વર્ગ-2 અધિકારીઓ ભદ્રસિંહ વાઘેલા, નિલેશભાઈ રાણીપા અને ભરતભાઈ વિડજાએ વિજ્ઞાનપ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર-1 બનાવવાની હાકલ કરી હતી.નવનિયુકત શિક્ષકો દીપ પટેલ અને હીનાબેન કોડીયાએ પ્રતિભાવ આપ્યા હતા. સમગ્ર સંચાલનનો દોર એજ્યુકેશન ઈન્સ્પેક્ટર પ્રવીણભાઈ અંબારીયાએ સંભાળ્યો હતો. બાદીભાઈએ આભાર વિધિ કરી હતી. જ્યારે વહીવટી વ્યવસ્થા હેડ ક્લાર્ક હિરેનભાઈ સાણજાના નેજા હેઠળ ફાલ્ગુનીબેન, દીપલબેન વગેરેએ સંભાળી હતી. સરકારી સંઘના પ્રમુખ મેહુલભાઈ દેથરીયા અને વહીવટી અધિકારી બ્રિજેશભાઈ જાજલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.