રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગરમાં હળવા ઝાપટા મોરબી : છેલ્લા બે દિવસથી વરસાદનુ જોર ઘટ્યું છે ત્યારે બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહિસાગર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદના ઓરેન્જ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદના યલો એલર્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, સુરત સહિતના જિલ્લામાં ચાર ઈંચ સુધી તો સૌરાષ્ટ્રમાં એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. બુધવારે રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગે બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું જે મુજબ બુધવારે ડાંગના સુબિરમાં સૌથી વધુ 90 મીમી વરસાદ વરસ્યો હતો. જયારે તાપીના વાડોદમાં 82, ડોલવણમાં 74, સુરતના મહુવામાં 65, વ્યારા અને સોનગઢમાં અનુક્રમે 36 અને 35 મીમી, ભાવનગરના મહુવામાં 20 મીમી, અમરેલીના કુંકાવાવ-વડિયામાં 17 મીમી, જૂનાગઢના માળીયા હાટીનામાં 16, રાજકોટના ધોરાજીમાં 13, ઉપલેટામાં 8, અમરેલીના ખાંભા અને મોરબીમાં 8 તેમજ રાજકોટના જામકંડોરણામાં 7 મીમી સહિત રાજ્યના 101 તાલુકામાં બુધવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે ગુરુવારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી,ભાવનગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં હળવા, મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.