APMCમાં તા. 1-4-2025 થી 31-5-2025 દરમિયાન ડુંગળીનું વેચાણ કરનાર ખેડૂતો સહાયને પાત્ર, 15 જુલાઈ સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે મોરબી : સરકાર દ્વારા રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાય યોજના હેઠળ રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અતંર્ગત રાજ્યની APMCમાં તારીખ 1-4-2025 થી 31-5-2025 દરમિયાન ડુંગળીનું વેચાણ કર્યું હોય તેવા ખેડૂતો જ સહાયને પાત્ર રહેશે. ખેડૂત દીઠ મહત્તમ રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ અને 25,000 કિલો (250 ક્વિન્ટલ) વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. 50 હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ખેડૂતો માટે આઇ-ખેડૂત 2.0 (ikhedut.gujarat.gov.in) પોર્ટલ આગામી તા.15-7-2025 સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.આ યોજના હેઠળ સહાય મેળવવા માટે આઈ ખેડુત પોર્ટલ 2.0 ( ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરી અરજદારે કરેલ અરજીની પ્રીન્ટ કાઢી સહી કરી અરજીમાં દર્શાવેલ જરૂરી સાધનિક કાગળો ((7/12 અને 8અ), તલાટી કમ મંત્રીનો ડુંગળી વાવેતર અંગેનો દાખલો, એ.પી.એમ.સી.નો ગેટ એન્ટ્રીનો પુરવો અને બીલ, આધાર કાર્ડ અને બેંક પાસબૂકની નકલ) સામેલ રાખી તા. 31-7-2025 સુધીમાં જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.