300થી વધુ પરિવારોને ઘરે પહોંચવાનો એકમાત્ર રસ્તો હોય, દરરોજ જીવના જોખમે અવર-જવર કરવા મજબૂરમોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપરથી વિજયનગર જવાના રસ્તે પુલ ઉપર મસ મોટુ ગાબડું પડ્યું છે. જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ મામલે મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાની પણ સ્થાનિકોએ રાવ ઉઠાવી છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે વિજયનગરમાં 300 જેટલા પરિવાર રહે છે. તેમના ઘર સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો કન્યા છાત્રાલય રોડ ઉપરના આ પુલ ઉપરથી જતો રસ્તો છે. આ પુલ અંદાજે 4થી 5 વર્ષ પૂર્વે બનાવવાં આવ્યો હતો. ગત વર્ષે ચોમાસામાં ખાડો પડ્યો હતો. જેમાં માત્ર માટી નાખી બુરવામાં આવ્યો હતો. હવે આ ચોમાસામાં માત્ર થોડા વરસાદે પુલમાં ગાબડું પડી ગયું છે. આ ખાડામાં પુલનો નીચેનો ભાગ સીધો દેખાય છે. દરરોજ અહીંના લોકોને જીવના જોખમે આ પુલ પાર કરવો પડે છે. વધુમાં અહીં પુલ પાસે એકદમ ગંદકી છે. જેની દુર્ગંધ છેક લોકોના ઘરો સુધી આવે છે. મહાપાલિકા દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માંગ છે.