સગા-વ્હાલાઓની ભરતી કર્યાના આક્ષેપ સાથે તપાસ કરવા એક જાગૃત નાગરિકની રાવહળવદ : હળવદ તાલુકાના ગામોમાં મધ્યાહન ભોજન યોજનામાં ભરતી કૌભાંડ થયાની આશંકા સાથે એક જાગૃત નાગરિકે ઇમેઇલ મારફતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. જેમાં તેને મામલતદાર કચેરીના કર્મચારીએ સગા-વ્હાલાઓની ભરતી કરી હોય તમામ હાજરી આપ્યા વગર પગાર મેળવતા હોવાના આક્ષેપ કર્યા છે. અને સમગ્ર ભરતી પ્રક્રિયાની તટસ્થ તપાસની માંગ કરી છે.જેમાં તેને જણાવ્યું છે કે હળવદ તાલુકામાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહ્ન ભોજન યોજના - MDM)ના અમલીકરણમાં ભાઈ-ભત્રીજાવાદ, ગેરરીતિ અને નાણાકીય ઉચાપત થઈ રહી છે. આ યોજના ગરીબ બાળકોના પોષણ અને શિક્ષણ માટે બનાવવામાં આવી છે. પરંતુ આ ભરતીમાં ઓળખાણનો દુરુપયોગ કરી નજીકના સગા સંબંધીઓ અને પાડોશીઓને નોકરીઓ આપી છે. જેમાં ઘણા લોકો ફરજ પર હાજર રહેતા નથી છતાં પગાર મેળવે છે. ઉપરાંત બે કર્મચારી અન્ય સરકારી નોકરી કરીને ડબલ પગાર મેળવી રહ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.ઉચ્ચ કક્ષાએ થયેલી ફરિયાદમાં અમુક મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ગેરરીતિ ચાલી રહયાના આક્ષેપો કરાયા છે. અને ફરિયાદમાં જણાવ્યું છે કે મોટાભાગના નિયુક્ત વ્યક્તિઓ ફરજ પર હાજર નથી, કામ રસોઈયાઓને સોંપીને પગાર મેળવે છે. આ યોજના હેઠળ નિમણૂકો પારદર્શક, ખુલ્લી, અને ગુણવત્તા આધારિત હોવી જોઈએ, જેમાં જાહેર નોટિફિકેશન અને નિષ્પક્ષ પસંદગીનો સમાવેશ થાય. આ કિસ્સામાં આવી કોઈ પ્રક્રિયા અનુસરાઈ નથી. આ ગેરરીતિઓથી યોગ્ય ઉમેદવારોને તક નષ્ટ થાય છે. બાળકોના પોષણ પર અસર થાય છે. હળવદ તાલુકામાં MDM ની ભરતીઓ અને હાજરીની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગેરહાજર અને ડબલ નોકરી કરનારાઓએ ખેંચેલ પગારની રકમ પરત મેળવીને નાણાકીય ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે પુરવઠા અધિકારી અને મધ્યાહન ભોજનનો ચાર્જ સંભાળતા જે.વી.કાકડીયાએ જણાવ્યું કે મધ્યાહન ભોજનના કર્મચારીઓની ભરતી મામલતદાર કક્ષાએ થતી હોય છે. આ મામલે યોગ્ય તપાસ કરાવી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.