શાળાઓની જર્જરીત હાલત, શિક્ષકોની ઘટ અને પ્રવેશોત્સવના તાયફાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રોષ વ્યકત કર્યોમોરબી : મોરબી જિલ્લાના ગામડાઓમાં જર્જરિત શાળાઓની સ્થિતિને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ રોષ પ્રગટ કર્યો છે અને શાળાઓમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કેની રહેશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના ગામડાઓની શાળાઓ જર્જરિત હાલતમાં છે. આવી જર્જરિત શાળાઓની હલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ ? મોરબી જિલ્લાના ગામડાઓની તમામ શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. તેમજ ગામડાઓની શાળાઓમાં અદ્યતન શૈક્ષણિક સાધનોનો અભાવ હોય તો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ કઈ રીતે મળી શકે ? શાળાઓની ખરાબ પરિસ્થિતિ, શિક્ષકોની ઘટ, શાળામાં અદ્યતન સાધનોનો અભાવ, હોવાના કારણે બાળકોના અભ્યાસ માટે લોકો શહેરો તરફ વળવા લાગ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. મોરબીના જિલ્લાના મુખ્ય અધિકારીઓ શિક્ષકોની ઘટ અને શાળાની જર્જરિત હલતથી વાકેફ છે કે કેમ ? ગામડાઓમાં શિક્ષણની પરિસ્થિતિને ધ્યાને લીધા વગર રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કરી અને સરકારના નાણાંનો દુરુપયોગ કરવો કેટલો મહદઅંશે વ્યાજબી છે. આવા કાર્યક્રમો દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરી રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે. તેમજ ગામડાઓમાં આવા કાર્યક્રમો નહીં પરંતુ શાળાઓની રિનોવેશન કરી, નવા શિક્ષકોની નિમણુંક કરી અને શાળાઓમાં બાળકોને અદ્યતન શૈક્ષણિક સાધનો પુરા પાડી શૈક્ષણિક પદ્ધતિઓ કરાવવા માંગ કરવામાં આવી છે.