મોરબી : મોરબી શહેમાં આડેધડ રસ્તાના ખોદકામ ચાલુ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હોવાની ફરિયાદ મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબી મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કરી છે.મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડીયાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, જ્યારથી મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી શહેરની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મોરબીના રેલવે સ્ટેશન રોડ પર રસ્તાનું કામ પૂર્ણ થયું ન હોવાથી ટ્રાફિકજામ થાય છે. સરકારના પરિપત્ર પ્રમાણે 15 જૂન પછી રોડ રસ્તાના કામ ન થઈ શકે. તેમ છતાં ચોમાસુ બેસી ગયું હોવા છતાં મોરબીમાં ઠેર ઠેર ખાડા છે અને ચારેબાજુ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. હજુ રેલવે સ્ટેશન રોડનું કામ નથી થયું ત્યાં વિજય ટોકિઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ બંધ કરી દેતાં બજારમાં ટ્રાફિકજામ થઈ રહ્યો છે. જેના કારણે ટ્રાફિક પોલીસનું કામ વધી ગયું છે. રસ્તા ખરાબ હોવાથી એમ્બ્યુલન્સને પણ હોસ્પિટલ પહોંચવામાં વધુ સમય લાગે છે. તેથી શહેરીજનોની સમસ્યા દુર કરવા કમિશનર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરાઈ છે.