સ્વખર્ચે રોડ બનાવ્યો પણ મહાપાલિકા ખોદી ગઈ અને રીપેર ન કર્યો, અત્યારે અવારનવાર અહીં દર્દીઓ અને તબીબો પડી જતા હોવાની રાવમોરબી : મોરબીના લાતી પ્લોટ-1ના રસ્તાની હાલત બદતર થઈ ગઈ હોય, અહીં આવેલી હોસ્પિટલના ડોક્ટરો અને દર્દીઓ અવારનવાર પડતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે ડોકટરોએ મહાપાલિકાની આ ઢીલી નીતિ સામે રોષ પણ ઠાલવ્યો છે. મોરબીના લાતી પ્લોટની દશકાઓથી દુર્દશા છે. લાતી પ્લોટ-1માં રસ્તાની હાલત અતિ બિસ્માર છે અહીં પણ મહાપાલિકા દ્વારા ખોદકામ કર્યા બાદ તેનું બુરાણ યોગ્ય રીતે કરવામાં ન આવતા અહીં ગારાનું સામ્રાજ્ય છવાયુ છે. તેવામાં અવારનવાર લોકો અહીં લપસતા હોવાના બનાવ બને છે. આ મામલે ડો.ભાવનાબેને જણાવ્યું કે ત્રણ વખત ડોકટરોએ સ્વખર્ચે અહીં રોડ બનાવ્યો છે. અને મહાપાલિકાએ આ રોડ તોડી રીપેર કરાવ્યો નથી. અમે રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળવા વાળું નથી. અમે મહાપાલિકાના અધિકારીઓને કહીએ છીએ કે એક વખત આ ગારાની રબડીમાં ચાલી બતાવો તો ખ્યાલ આવે. વધુમાં ડો.સાવસાણીએ જણાવ્યું છે જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી આ હાલત સર્જાઈ છે. પાછળની ગલીમાં તો ત્રણ વાહન ફસાઈ ગયા હતા. અહીં પણ દર્દીઓ અને ડોક્ટરો પડવાના બનાવો અવારનવાર બને છે. અહીં સગર્ભા બહેનો, નાના બાળકો સાથે માતાઓ આવતા હોય છે. તેવા દર્દીઓનું પડવાનું જોખમ છે. મહાપાલિકા તુરંત કાર્યવાહી કરે તેવી માંગ છે.