અનુકૂળ જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરીએ- જીતેન્દ્રભાઈ ઠક્કર મોરબી : ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણનું જતન કરવા મોરબીના પર્યાવરણ પ્રેમી અને મયુર નેચરલ ક્લબના સભ્ય જીતેન્દ્રભાઈ ઠક્કરે મોરબીની જનતાને અપીલ કરી છે અને આસપાસ જે અનુકૂળ જગ્યા હોય ત્યાં વધુને વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ અદા કરવા જણાવ્યું છે.જીતેન્દ્રભાઈ ઠક્કરે જણાવ્યું છે કે, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો સમય આવી ગયો છે. આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગ અને ઊંચા તાપમાનની આડ અસરોથી બચાવવી હશે તો મોટાપાયે વૃક્ષો વાવવા અને ઉછેરવા પડશે. સદભાગ્યે આ દિશામાં થોડા વર્ષોથી લોકોમા ચિંતા વધી છે અને પરિણામે ખાસ્સી જાગૃતિ આવી છે પરંતુ એ પૂરતી નથી. હાલ સરકારી નર્સરી અને પર્યાવરણ જતન કરતી સંસ્થાઓ આમ જનતાનાં સહયોગથી મોટા પાયે રોપાઓનું વિતરણ, વાવેતર અને ઉછેર કરવા કટીબદ્ધ છે. ત્યારે આપણે પણ સૌ આ પ્રવૃત્તિમાં 'સાથી હાથ બઢાનાં' એ સૂત્રને ચરિતાર્થ કરીને સહભાગી બનીએ. દર વર્ષે વર્ષાઋતુનાં પ્રારંભે સરકારનાં વન વિભાગ દ્વારા સરકારી નર્સરીમાંથી સરકારી સ્કૂલો અને સામાજિક સંસ્થાઓને નિઃશુલ્ક તથા આમ નાગરિકોને ટોકન દરે મળતા રોપાઓનો ઉછેર કરવા આપણે સૌ યથાયોગ્ય યોગદાન આપીએ. જગ્યાની અનુકૂળતા હોય ત્યાં વૃક્ષોમાં પણ દેશી જાતના વૃક્ષો જેવા કે ખાખરો, ખીજડો, બાવળ, આવળ, જાંબુ, ગુંદો, બોરસલી, ટીમરું, લીમડો વગેરે વાવી શકાય. આ ઉપરાંત ક્ષિર વર્ગ કે જેની ડાળી પણ વાવી શકાય એવાં વડ, પીપળ, અંજીર, સેતુર, ગળો, સરગવો, અરડૂસી, નગોડ વગેરે પણ વાવી શકાય.વળી જેમને સુગંધી ફૂલોમાં રસ હોય તેઓ કાસીદ, બોરસલી, એકઝોરા, કાંચનાર, બુચ, ચંપો, મોગરો, જૂઈ, ચમેલી, પારિજાત, મધુકામિની વગેરે પણ વાવી શકે. આ પ્રકારે વૃક્ષોનાં વાવેતરથી માત્ર પર્યાવરણલક્ષી વાતાવરણ (ટેમ્પરેચર) માં જ સુધારો નથી થતો પરંતુ પક્ષીઓને પણ રહેઠાણ અને ખોરાક મળે છે. જેથી લુપ્ત થઈ રહેલ જમીન સુધારક ગણાતા પક્ષીઓની સંખ્યા પણ નોંધપાત્ર વધે છે. આપણે ત્યાં બહુ મોટો વર્ગ વૃક્ષો અને પર્યાવરણ સુધારણા કાર્યને સરકારનું કામ સમજીને નિષ્ક્રિયતા દાખવે છે એ પણ ખોટું છે અને સરકાર તરફથી મળતી અનેકવિધ સહાયનો ઉપયોગ કરીને સૌ સમજદાર અને જાગૃત લોકોએ આ કાર્યમાં જોડાઈને રાષ્ટ્ર પ્રત્યે એક ફરજ સમજીને આ કાર્યમાં જંપલાવવું જોઈએ. તો આ વર્ષે ચોમાસાનાં પ્રારંભે જ કમસે કમ 'એક વ્યક્તિ વૃક્ષ' નો સંકલ્પ કરીને પર્યાવરણ જતન માટે યોગદાન આપવા મયુર નેચર ક્લબનાં સભ્ય અને પર્યાવરણ પ્રેમી જીતેન્દ્રભાઈ ઠક્કર (મોરબી, મો.92285 83743) એ સૌને અપીલ કરી છે.