મોરબી : મોરબી મહાનગરપાલિકામાં અવાર નવાર પ્રાથમિક સુવિધાઓની અને સમસ્યાઓની ફરિયાદો આવતી રહે છે. પરંતુ મોરબીના એક જાગૃત નાગરિકે એક જ દિવસમાં વિવિધ પ્રશ્નોને લઈને 20 જેટલી ફરિયાદ એક જ દિવસમાં કરી હતી. જો કે 15 દિવસથી વધુ સમય થઈ જવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે.મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રશ્નોને લઈને જાગૃત નાગરિક વિપુલભાઈ ગામીએ 13 જૂનના રોજ મહાનગરપાલિકામાં 20 જેટલી ફરિયાદ કરી હતી. જેમાં રખડતાં ઢોર, સ્ટ્રીટ લાઈટ, ધૂળના ઢગલા, સાફ સફાઈ, ગટરના ઢાંકણા જેવા પ્રશ્નો અંગે ફરિયાદ કરાઈ હતી. જેમાં દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, બાપાસીતારામ ચોક, રવાપર ચોકડી સુધીના વિસ્તારમાં આ સમસ્યાઓ હોવાનું મહાનગરપાલિકાને જણાવ્યું હતું. મહાનગરપાલિકાએ એક સપ્તાહમાં આ ફરિયાદનો નિકાલ કરવા લેખિત ખાતરી પણ આપી હતી. પરંતુ વિપુલભાઈ ગામીના જણાવ્યા પ્રમાણે કોઈ કામગીરી યોગ્ય રીતે થઈ ન હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે અવાર નવાર અરજીઓ કરવામાં આવી છે પરંતુ પ્રોપર કામ થતું નથી. ત્યારે તાત્કાલિક ધોરણે મોરબીના પ્રાણ પ્રશ્નો હલ કરવામાં આવે તેવી તેઓ માગ કરી રહ્યા છે.