મરિન સોલ્ટ મેન્યુ. એસોસિએશન દ્વારા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને આવેદન અપાયું મોરબી : સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA) દ્વારા બોરવેલથી ખારા પાણીના ઉપયોગ માટે બહાર પાડવામાં આવેલ જાહેરનામના પાલન બાબતે ગુજરાતના મીઠા ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ બાબતે મરિન સોલ્ટ મેન્યુ. એસોસિએશન દ્વારા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સમક્ષ લેખિતના રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, ગુજરાતનો મીઠા ઉદ્યોગ આઝાદી પહેલાનો ઉદ્યોગ છે. જે સમગ્ર રાજ્યમાં આશરે 14 થી 16 જિલ્લાઓમાં મીઠાનું ઉત્પાદન થાય છે અને દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં 82% જેટલો ફાળો ગુજરાતનો રહેવા પામે છે, મીઠા ઉદ્યોગ એક પ્રકારની ખેતી છે જે ગરીબ અને તવંગર દરેકને તેની વિશેષ જરૂરિયાત હોય છે. તે ઉપરાંત સમગ્ર દેશનો સોડા એશ અને કાસ્ટિક સોડા ઉદ્યોગમાં મીઠાનો વપરાશ અગત્યના કાચા માલ તરીકે થાય છે, ગુજરાત સમગ્ર ભારતના ખૂણે ખૂણે સ્થાનિક વિકાસ માટે મીઠાની આપૂર્તિ કરે છે. તદુપરાંત પ્રતિવર્ષ 120 થી 140 લાખ ટન જેટલા મીઠાની નિકાસ કરી દેશની ઉન્નતિમાં વિદેશી હૂંડિયામણ પણ કમાય છે. એટલું જ નહીં સમગ્ર ઉદ્યોગ સાથે સીધી કે આડકતરી રીતે આશરે 5 લાખથી વધુ લોકોને વ્યવસાય પણ પૂરો પાડે છે. ત્યારે મીઠા ઉદ્યોગના 99.30 % એકમો તેમના ટર્નઓવર અને કમાણીના સંદર્ભમાં CGWAના જાહેરનામાંની માર્ગદર્શિકાનું પાલન કરવાની સ્થિતિમાં નથી. જ્યારે સંગઠિત ક્ષેત્રના 0.70 % એકમો જ છે જે અનુસરી શકે છે પરંતુ તેઓ ભૂગર્ભના ખાળાજળને બદલે દરિયાઈ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી સમગ્ર મીઠા ઉત્પાદનની પ્રક્રિયા પર આ નીતિ લાદવી યોગ્ય નથી. ત્યારે મીઠા ઉદ્યોગને CGWAની માર્ગદર્શિકાથી બાકાત રાખવા માંગ કરવામાં આવી છે.