અમુક લોકોને ફોનમાં તાત્કાલિક જાણ કરાઈ, જો અગાઉથી લોકદરબારની તારીખ જાણ કરવામાં આવી હોય તો સામાન્ય અરજદારો પોતાના પ્રશ્નો મૂકી શકેમોરબી : મોરબીમાં પોલીસ દ્વારા આજે ઓચિંતો લોકદરબાર ગોઠવી નાખવામાં આવ્યો હતો. જો કે સામાન્ય નાગરિકો આ લોકદરબારથી અજાણ હોય, પ્રશ્નો રજૂ કરવાની તક મળી ન હતી. બીજી તરફ અમુક નાગરિકોને તાત્કાલિક ફોન ઉપર લોક દરબાર વિશે જાણ કરાઈ હતી. જેથી ઓછી સંખ્યામાં લોકો આ લોકદરબારમાં ભાગ લઈ શક્યા હતા. બીજી તરફ પુરી અડધી કલાક પણ આ લોકદરબાર ચાલ્યો ન હતો. સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં ન આવતું હોય, તેવા પ્રશ્નો તેમજ મોટા પ્રમાણમાં લોકોને અસર કરતા પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરવામાં આવે તેવા હેતુથી દરેક જિલ્લામાં પોલીસ વડા દ્વારા લોકદરબાર યોજવામાં આવતા હોય છે. આવી જ રીતે આજે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકની તપાસણી કરી લોકદરબાર યોજવામાં આવ્યો હતો. પરંતુ આ લોકદરબાર વિશે પોલીસે અગાઉ કોઈ જાણ કરી ન હતી. તાત્કાલિક ફોન ઉપર અમુક નાગરિકોને જાણ કરી હતી. જેને પગલે સામાન્ય નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક મળી જ ન હતી. આ વેળાએ ઓછી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં રોડ ઉપર ફોર વ્હીલર પાર્ક કરવી, નવા ડેલા રોડ ઉપર માલ લેવા દેવા માટે આડેધડ વાહનો મુકવા, ગાંધી ચોકથી લઈ વીસી હાઈસ્કૂલ સુધી ટ્રાફિક સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. વધુમાં શાળાની 100 મીટરની અંદર ગુટખા- સિગારેટ વેચાણ ન કરવાના જાહેરનામાનો ચુસ્ત અમલ ન થતો હોવાથી ત્યાં અસામાજિક તત્વો ભેગા થતા હોવાનો પ્રશ્ન શાળા સંચાલકોએ રજૂ કર્યો હતો. એક પ્રશ્ન એવો પણ હતો કે મોરબીમાં હુમલા-હત્યાના કેસો વધી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં આવે જેથી લોકો સુરક્ષિત વાતાવરણ અનુભવી શકે. પોલીસે અગાઉથી જાણ ન કરી હોવાથી મર્યાદિત સંખ્યામાં જ નાગરિકોએ આ લોકદરબારનો લાભ લીધો હતો. જેથી આ લોકદરબાર પુરી અડધી કલાક પણ ચાલ્યો ન હતો.