ગૌમાસ હેરફેરની શંકા રાખી તપાસ કરવા ગયેલા ગૌસેવકો ઉપર હુમલો થયાની અને સામાપક્ષે ઘેટા બકરા ભરેલી બોલેરો પાછળ આવેલા લોકોએ ઉગ્ર બોલાચાલી કરી ધમાલ કર્યાની ફરિયાદ નોંધાઈમોરબી : મોરબી શહેરમાં ગઈકાલે બપોરના સમયે વાહનમાં ગૌમાંસ લઈ જવામાં આવી રહ્યું હોવાની શંકાએ વાહનનો પીછો કરી ખાટકીવાસ વિસ્તારમાં ગયેલા યુવાનો ઉપર હુમલો થવાના બનાવના પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં એક પક્ષે ગૌમાંસની શંકાએ વાહનનો પીછો કર્યાની તો સામાપક્ષે ખોટી શંકાએ ખાટકી વાસમાં આવી ઉગ્ર બોલાચાલી કરતા શખ્સોએ એકત્રિત થયેલા ટોળા સાથે ઝઘડો કરતા મારમારીમાં ઇજા થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.રવિવારે બપોરે બનેલી આ ઘટનામાં જેમાં લાલજી ઉર્ફે કૌશિક જગદીશભાઈ નિમાવત ઉ.34 રહે.બજરંગ સોસાયટી, વાવડી રોડવાળાએ આરોપી જાકીરહુસેન, ઈસુ મુસા કટારીયા, શબ્બીર અબાસ, હુરબાઈબેન અલીભાઈ, ફાતેમાબેન, બે વાહનના ચાલકો તેમજ અજાણ્યા 15થી 20 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર ર્ક્યું હતું કે, ગઈકાલે બપોરે ફરિયાદીના મિત્ર સાગર કાંતિલાલ પલાણને જીજે - 12 - બીઝેડ - 8346 નંબરના બોલેરો વાહનમાં પશુ ભરેલા હોવાની શંકા જતા આ વાહનની પાછળ પાછળ ખાટકીવાસમાં જતા તેને માર મારતા હોવાનો મેસેજ ગૌસેવકોના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા ફરિયાદી પોતે, તેમના મિત્ર રવિ જીતેન્દ્રભાઈ અને દિનેશ રામજી લોરીયા બચાવવા જતા આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે માર માર્યો હતો.સામાપક્ષે શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ ઉ.28 રહે.દરબાર શેરી, ખાટકીવાસ વાળાએ આરોપી મહેબૂબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્ર પાલા, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત અને દિનેશ રામજી લોરીયા રહે.તમામ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી મહેબૂબ અને સાગર પલાણ અમોને ઘેટા બકરા આપવા આવેલ બોલેરો પીકઅપ પાછળ આવી ગૌમાંસ ભરેલ હોવાની શંકાએ વાતચીત કરતા હતા તેવામાં અન્ય આરોપીઓ આવી ગયા હતા અને વાતાવરણ ઉગ્ર બનતા લતાવાસીઓ પણ આવી જતા આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો સાથે ઝપાઝપી કરી ઇજાઓ પહોંચાડી હતી. આ ગંભીર બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે હાલમાં બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.