મોરબી : મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નાની બરાર તાલુકા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત મોરબીના ખાનપરની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. નાની બરાર તાલુકા શાળાગતરોજ તા. 28 જૂનના રોજ માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળા ખાતે નાની બરાર તાલુકા શાળા, નાની બરાર કન્યા શાળા અને સરકારી હાઈસ્કૂલ નાનીબરારના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી માળિયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ તાલુકા પંચાયત માળીયા અને તાલુકા ભાજપના અગ્રણીઓ જેવા કે અશોકભાઈ બાવરવા, રાજેશભાઈ હુંબલ, બાબુભાઈ હુંબલ, મનીષભાઈ કાંજીયા, ભાવિકભાઈ કાવર અને યુવરાજસિંહ જાડેજાએ હાજર રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. શાળાની વિદ્યાર્થીનીઓએ કુમકુમ અને ફુલ પાંદડી દ્વારા તો ગામના સરપંચ પ્રભાતભાઈ બકુત્રાએ અંતરના ઉમળકાથી સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શાળા પરિવાર વતી શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ દરમ્યાન કાંતિલાલ અમૃતિયાએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં શિક્ષણના મહત્વ, વ્યસન મુક્તિ, અને નાનપણથી આર્થિક બચત પર ખાસ ભાર મૂક્યો હતો અને સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી.ખાનપર લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયખાનપર ખાતે તા. 28-6-2025ના રોજ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે ખાનપર કુમાર પ્રાથમિક શાળા અને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયનો સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જે.જે. રાચ્છ (કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ.), ચંદ્રકાંતભાઈ બાવરવા (CRC) ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ખાનપર ગામનાં સરપંચ દિલીપભાઈ લીંબડ, ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો , વાલીઓ, SMDC સભ્યો તથા SMC સભ્યો ઉજવણીમાં હાજર રહ્યા હતાં. નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ, SMC અધ્યક્ષ અમૃતિયા નરેન્દ્રભાઈ અમરશીભાઈ તથા ડૉ. જલ્પાબેન અરજણભાઈ ફુલતરિયા એમ અનેક દાતાઓએ શાળાને દાન આપી વિદ્યાર્થીઓની પ્રગતિમાં વધારો થાય તે માટે વિવિધ શૈક્ષણિક વસ્તુઓ અને રોકડ રકમ દાનપેટે આપી હતી. તમામ મહાનુભાવોએ આંગણવાડીનાં બાળકોથી લઈ બાલવાટીકાનાં બાળકો તથાં ધોરણ 9ના બાળકોને શૈક્ષણિક કીટ, પુસ્તકો આપી પ્રવેશ અપાવ્યો હતો. બાલવાટીકાથી લઈ ધો 1 થી 10 સુધીના પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલ બાળકોને ઇનામ આપી પ્રોસાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ પ્રાથમિક શાળામાં લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરીટમાં આવેલ બાળકોને પ્રોત્સાહક ઈનામો તથાં પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ તકે નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સભ્યો તેમજ તમામ દાતાઓનું સાલ ઓઢાળી, શિલ્ડ આપી અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા પ્રેરક વક્તવ્યથી જોમ અને જુસ્સો પૂરો પાડ્યો હતો. અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓ તથા ચિકાણી રમણિકલાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ખાનપર કુમાર પ્રાથમિક શાળાનો સ્ટાફ, લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરનો સ્ટાફ તથા ખાનપર ગામની શિક્ષણ સમિતિનાં સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ખાનપર કુમાર પ્રાથમિક શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ કે. સાવરિયા દ્વારા આભારવિધિ કરી જેમાં કાર્યક્રમની સફળતા બદલ સર્વેને શુભેચ્છાઓ પાઠવી અને વિદ્યાર્થીઓને બિસ્કીટ તથા ચોકલેટનું વિતરણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.