પર્યાવરણ પ્રેમી કાંતિલાલ ભૂતે ટંકારા ખાતે ખરીદી કરવા આવતા લોકોને વિનામૂલ્યે કાપડ બેગ આપી પ્લાસ્ટિકના નુકસાન અંગે વાકેફ કર્યાટંકારા : આજે જ્યારે વધતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વડીલ કાંતિલાલ ભૂત પોતાના અનોખા પ્રયાસોથી પર્યાવરણ રક્ષણ અને જાગૃતિ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યા છે. નિવૃત્તિની ઉંમરે જ્યાં મોટાભાગના લોકો આરામની જીવનશૈલી અપનાવે છે, ત્યાં કાંતિલાલ ભૂતે પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા અને પૃથ્વીને હરિયાળી રાખવા માટે અથાક પ્રયાસો શરૂ કર્યા છે. કાંતિલાલ ભૂત દરરોજ શાક માર્કેટ જેવી ભીડભાડવાળી જગ્યાઓ પર જઈને લોકોને પ્લાસ્ટિકની થેલીઓના નુકસાન અંગે જાગૃત કરે છે. તેઓ લોકોને મફતમાં કાપડની થેલીઓ ભેટ આપે છે અને બદલામાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવાનું વચન લે છે. આ અભિયાન અંતર્ગત 28 જૂનના રોજ તેઓ ઋષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ ટંકારા ખાતે નાગરિકોને રોજિંદી ખરીદીમાં કાપડની થેલીઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને કાપડની વિનામૂલ્યે બેગ વિતરણ કરી હતી જેનાથી પ્લાસ્ટિક પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે. કાંતિલાલભાઈનો આ પ્રયાસ નગરજનોમાં ખૂબ જ પ્રભાવશાળી સાબિત થઈ રહ્યો છે. શાકમાર્કેટમાં આવતા લોકોએ તેમની આ પહેલની પ્રશંસા કરી હતી. આમ કાંતિલાલ ભૂત 70 વર્ષની વયે પણ પોતાના નાના પરંતુ અસરકારક પ્રયાસોથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે. તેમના આ પ્રયાસો નવી પેઢીને પણ પ્રેરણા આપે છે કે નાના પગલાંઓથી પણ પર્યાવરણની રક્ષા શક્ય છે.