પાંચ દુકાનો વચ્ચે એક જ પરવાનેદારને ચાર્જ સોપાયો, સર્વરના ધાંધિયાને કારણે રેશનકાર્ડ ધારકો 5-5 કલાક લાઈનમાં ઉભા રહેવા મજબુરમોરબી : માળિયા મિયાણા શહેરમા સસ્તા અનાજની પાંચ પાંચ દુકાનો આવેલ છે પરંતુ એક પણ દુકાનમાં સંચાલકો ન હોવાના કારણે હાલ આ દુકાન ચાર્જમાં સોપાઈ છે અને તેમાં પણ ઉપર જતા સર્વરના ધાંધિયાના કારણે લોકોને અનાજ લેવા 4થી 5 કલાક લાઈનોમાં ઉભા રહેવું પડતું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છેમાળિયા મિયાણા શહેરમાં સસ્તા અનાજની પાંચ દુકાને આવેલી છે. જો કે હાલમાં એક પણ દુકાનમાં કાયમી સંચાલક નથી. જેથી બહારના સંચાલકોને ચાર્જ સોંપવાની નોબત આવી છે. છેલ્લા બે દિવસથી વર્ષામેડી, જુના ઘાંટીલા અને ખીરઈ ગામના સંચાલકોને ચાર્જ સોંપવામાં આવ્યા બાદ આ પાંચેય દુકાનના ગ્રાહકો એક જ જગ્યાએ ભેગા થવાના કારણે લાંબી લાઈનો લાગે છે. એમાંય ઉપરથી સર્વર ડાઉન હોવાના કારણે લોકોના ફિંગરપ્રિન્ટ મેચ થવામાં વિલંબ થાય છે.વધુમાં રેશનકાર્ડ ધારકોના જણાવ્યા પ્રમાણે હાલ મામલતદાર ઓફિસે પહેલા ફિંગરપ્રિન્ટ આપવા જવું પડે છે ત્યાર બાદ ગોડાઉનેથી અનાજ આપવામાં આવે છે. જો કે મામલતદાર ઓફિસે સર્વર ડાઉન હોવાના કારણે એક વ્યક્તિને ફિંગર આપતા ઓછામાં ઓછી 15 મિનિટ લાગે છે. છેલ્લા સાત દિવસથી સવારમાં જ લાઈનમાં લાગવા છતાં લોકોનો વારો આવતો નથી. હાલમાં માળિયાની 25 હજારની વસ્તી વચ્ચે એક જ દુકાનથી અનાજનો જથ્થો આપવામાં આવી રહ્યો હોય લોકો હેરાન થઈ ઉઠ્યા છે.જાહેર વિતરણ વ્યવસ્થા અંગે માળિયા મામલતદાર એચ.સી. પરમારે જણાવ્યું હતું કે, માળીયા શહેરમાં પાંચ સસ્તા અનાજની દુકાનો છે પરંતુ તમામ જગ્યાએ સંચાલકોની જગ્યા ખાલી છે. સંચાલકની જગ્યા ભરવા જાહેરાત પણ આપી હતી પરંતુ કોઈએ રસ દાખવ્યો નથી. સાથે જ સર્વર પણ ડાઉન હોવાનું અને શનિવારે અડધો કલાક જ ચાલ્યા બાદ બે કલાક બંધ થઈ ગયું હતું. જો લાઈન વધુ રહેશે તો વધુ સંચાલકને ચાર્જ સોંપીને કામગીરી કરીશું. સાથે જ મામલતદારે લોકોને પણ સહકાર આપવા અપીલ કરી હતી.