પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરીના અનેક બનાવોના ભેદ ખુલશેમોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર નજીક પાર્ક કરેલા ટ્રક ટ્રેઇલર અને આઇસર ટ્રકમાંથી બલેનો કારમાં આવેલા ચાર શખ્સો 330 લીટર ડીઝલ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ મોરબી તાલુકા પોલીસની ટીમે ડીઝલ ચોરનાર ચાર શખ્સને ઝડપી લીધા હતા. આ ચારેય આરોપીઓને કોર્ટે 30 જૂન સુધી રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર પાસે આવેલ ધરમ કાંટા પાસે ટ્રક ટ્રેઇલર પાર્ક કરનાર મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં કચ્છમાં રહેતા ફરિયાદી ટ્રક ચાલક રામભાઈ ધરમારામ સાઈ ઉ.31 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત રાત્રીના તમને ધરમ કાંટા પાસે ટ્રક પાર્ક કર્યો હતો ત્યારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર શખ્સોએ તેમના ટ્રકમાંથી તેમજ બાજુમાં પડેલા આઇસર ટ્રકમાંથી રૂપિયા 29,700ની કિંમતના 330 લિટરની ડીઝલની ચોરી કરી નાસી ગયા હતા.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણી બલેનો કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરતા કલાકોના સમયગાળામાં જ મહત્વની સફળતા મળી હતી. જેમાં ડીઝલ ચોરીને અંજામ આપનાર આરોપી અજય છનાભાઈ ચૌહાણ રહે.અમરાપર, સાવલી, વડોદરા, જીગ્નેશ ભરતભાઈ ખેર રહે. મેરુપર, હળવદ, વિક્રમ ભગવાનસિહ ચાવડા અને ધર્મેન્દ્ર પ્રવિણસિંહ પરમાર રહે.ઠાસરા, ખેડા નામના શખ્સોને નંબર પ્લેટ વગરની બલેનો કાર કિંમત રૂપિયા 3.50 લાખ, 11 ડીઝલ ભરવાના ખાલી કેરબા, ડિસમિસ, પકડ તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 3,61,450ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આ કેસમાં પોલીસે ડીઝલ ખરીદનારા વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કર્યો છે ત્યારે અગાઉ ક્યાં ક્યાં ડીઝલ ચોરી કરી તે સહિતની બાબતો ઉપરથી પરદો ઉઠાવવા ચારેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચારેય આરોપીઓને 30મી સુધીના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.