રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત, મચ્છુ માતાજીના મંદિરે 6 હજાર ફુગ્ગાનો શણગાર કરાયોમોરબી : ભરવાડ સમાજ તથા રબારી સમાજના મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટય દિવસ નિમિત્તે પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ માલધારી સમાજ દ્વારા આજે અષાઢી બીજના પાવન દિવસે ભવ્યાતી ભવ્ય રથયાત્રા નીકળી હતી. મચ્છુ માતાજીના મંદિરે 6 હજાર ફુગ્ગાનો શણગાર કરાયો હતો. સવારે આરતી અને બપોરે મહાઆરતી કરાઈ હતી.સવારે કલાકે શ્રી મચ્છુ માતાજીની જગ્યા - મહેન્દ્રપરા શેરી નં 17 થી રથયાત્રા નીકળી હતી અને શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ હતી. યુવક અને યુવતીઓ દાંડીયારાસ, હુડો તથા સાંસ્કૃતિક રમતો રમતા શ્રી મચ્છુ માતાજી મંદિર (કોઠે)થી નીકળી સુપર ટોકીઝ, ગ્રીન ચોક, નહેરુ ગેટ થઈ મચ્છુ માતાના મંદિરે પરત ફરી હતી. આ વેળાએ ગોપાલ ભરવાડ એન્ડ ગૃપ, ભાવેશ ભરવાડ, રિંકુ ભરવાડ સહિતના કલાકારોએ ગીતોની રમઝટ બોલાવી હતી. રથયાત્રામાં ભરવાડ સમાજ તથા રબારી સમાજના ભાઈઓ, બહેનો તથા યુવાનો તથા વૃધ્ધ સૌએ માતાજીના દર્શન કર્યા હતા અને સંતદર્શનનો લાભ લીધો હતો. રથયાત્રા પૂર્ણ થયે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં 1 હજાર કિલો શુદ્ધ ધીનો શીરો, 1500 કિલો ફરાળી ચેવડો અને 3500 લીટર છાસ રાખવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રથયાત્રા દરમિયાન હિંદુ-મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઠેર ઠેર ઠંડા પીણાં અને છાસનું વિતરણ કરાયું હતું. આમ હિંદુ-મુસ્લિમ એકતાના દર્શન પણ થયા હતા.આ રથયાત્રામાં મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ, મહેશપુરી (મુન્નાબાપુ), મહંત દેવાભગત સુરાભગત ગોલતર, રતનપુરીજી કેદારપુરીજી, રોહિતપુરીજી પાપનાસણા સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા.જે. કે. ટીંબા એન્ડ ગૃપ રાત્રે 10 કલાકે ડાક ડમરુની રમઝટ પણ બોલાવવામાં આવશે. આ મહોત્સવમાં પધારવા ભરવાડ અને રબારી સમાજને મચ્છુ મિત્ર મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ રથયાત્રામાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં dysp પી. એ. ઝાલા, 5 PI, 16 PSI સહીત 300 જેટલાં પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. વ્યવસ્થામાં મહાનગરપાલિકાની ટીમ પણ જોડાઈ હતી.