દહેરાદૂનથી એક તેમજ દિલ્હીથી એક આરોપીને દબોચી લેતી સાયબર ક્રાઇમ પોલીસ મોરબી : મોરબીના વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા 1.51 કરોડની છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે બેન્ક એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરી અગાઉ કૌભાંડના સૂત્રધાર સહીત ચાર આરોપીઓને ઝડપી લીધા બાદ વધુ ત્રણ આરોપીઓને દેહરાદૂન અને દિલ્હી ખાતેથી ઝડપી લઈ રૂપિયા 1.60 લાખની રિકવરી કરવામાં આવી હતી.મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા અને શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સીના નામે વેપાર કરતા નૈમિશ કનૈયાલાલ પંડિત સાથે અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ધારક તેમજ અન્ય સાત બેન્ક એકાઉન્ટ ધારક સહિત નવ આરોપીઓએ યુએસડી ક્રીપ્ટો કરન્સીમા રોકાણ કરવા લોભામણી લાલચ આપી 1,51,02,500 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી લેવાના કિસ્સામાં ફરિયાદ નોંધાયા બાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે હાલોલના બેન્ક એકાઉન્ટ ધારક રાકેશ સોલંકી, રાકેશ રાઠવા રહે.હાલોલ અને ગોધરાના અરવિંદ પરમાર તેમજ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા વિપુલ ભીગુનાથ ઠાકુરને ઝડપી લીધા હતા.વધુમાં સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ ત્રણ આરોપીના નામ ખુલતા સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તરાખંડના દેહરાદૂનથી આરોપી ગીત ગુરુજીતસિંગ ગરેવાલ, વિકાસ જગદીશપ્રસાદ પંચાલ અને ગૌરવ ઇન્સ્પેકટર સૈની રહે. સહારનપુર, ઉત્તરપ્રદેશ વળાઓને ઝડપી લઈ પૂછપરછ કરતા આરોપીઓ પેઢી બનાવી કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપતા હોવાનું કબુલ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસે 1.60 લાખની રિકવરી કરી હોવાનું જાહેર કર્યું હતું.