હળવદના ચાર, ખેડાના બે, વડોદરાના એક સહિત 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ, ચાર પકડાયા મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર નજીક પાર્ક કરેલા ટ્રક ટ્રેઇલર અને આઇસર ટ્રકમાંથી બલેનો કારમાં આવેલા ચાર શખ્સો 330 લીટર ડીઝલ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ મોરબી તાલુકા પોલીસની ટીમે ડીઝલ ચોરનાર ચાર શખ્સને ઝડપી લઈ ડિઝલચોરીનું રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. ડીઝલ ચોરીની આ ઘટનામાં પોલીસે હળવદના ચાર, ખેડાના બે, વડોદરાના એક સહિત 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ચોરીમાં ઉપયોગમાં લીધેલ બલેનો કાર તેમજ ડીઝલ કેરબા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર પાસે આવેલ ધરમ કાંટા પાસે ટ્રક ટ્રેઇલર પાર્ક કરનાર મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં કચ્છમાં રહેતા ફરિયાદી ટ્રક ચાલક રામભાઈ ધરમારામ સાઈ ઉ.31 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત રાત્રીના તમને ધરમ કાંટા પાસે ટ્રક પાર્ક કર્યો હતો ત્યારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર શખ્સોએ તેમના ટ્રકમાંથી તેમજ બાજુમાં પડેલા આઇસર ટ્રકમાંથી રૂપિયા 29,700ની કિંમતના 330 લિટરની ડીઝલની ચોરી કરી નાસી ગયા હતા.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણી બલેનો કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરતા કલાકોના સમયગાળામાં જ મહત્વની સફળતા મળી હતી. જેમાં ડીઝલ ચોરીને અંજામ આપનાર આરોપી અજય છનાભાઈ ચૌહાણ રહે.અમરાપર, સાવલી, વડોદરા, જીગ્નેશ ભરતભાઈ ખેર રહે. મેરુપર, હળવદ, વિક્રમ ભગવાનસિહ ચાવડા અને ધર્મેન્દ્ર પ્રવિણસિંહ પરમાર રહે.ઠાસરા, ખેડા નામના શખ્સોને નંબર પ્લેટ વગરની બલેનો કાર કિંમત રૂપિયા 3.50 લાખ, 11 ડીઝલ ભરવાના ખાલી કેરબા, ડિસમિસ, પકડ તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 3,61,450ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.આરોપીઓની પૂછપરછમાં ડીઝલ ચોરીના આ રાજ્યવ્યાપી કૌભાંડમાં ચોરેલું ડીઝલ લેનાર હળવદ તાલુકાના મેરુપરના મહોબતસિંહ ધીરુભાઈ પરમાર, નિકુલ દિલુભાઈ પરમાર, ઘનશ્યામગઢના પટેલ વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરી ડિઝલચોરીમાં સંડોવાયેલ દેવરાજ ઉર્ફે દેવાભાઇ બળદેવભાઈ કોપણીયા રહે.નરાડી તા.ધ્રાંગધ્રા અને આરોપી ઋતુરાજસિંહ બળદેવસિંહ પરમાર રહે.જશાપર તા.માળીયા મિયાણા વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરી ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આરોપી ઋતુરાજસિંહ અને દેવરાજ ઉર્ફે ડિઝલચોરી માટે બલેનો કાર આપી હોવાનું આરોપીઓ કબુલ્યું હતું. સાથે જ જીગ્નેશ, અજય, એવરેજ અને વિક્રમ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ડિઝલચોરી સહિતના ગુન્હા નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.