જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ બાળકોની આંગળી પકડી હરખભેર શાળામાં પ્રવેશ અપાવ્યોમોરબી : મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને નાની વાવડી ખાતે નાની વાવડી કુમાર શાળા અને કન્યા શાળા તથા માધ્યમિક શાળાઓમાં નવા પ્રવેશપાત્ર બાળાઓને અંતરથી આવકાર આપવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે કાર્યક્રમ યોજાયો હતો.પ્રાસંગિક ઉદ્બોધનમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, દરેક કન્યાઓને શિક્ષણ મળે અને કોઈ પણ બાળક શિક્ષણ વિના ન રહે તેવા હેતુ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો એ કાર્યક્રમની ફલશ્રુતિ આજે આપણે જોઈ શકીએ છીએ જેના કારણે ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થયો છે અને બાળકો હોંશે હોંશે શાળાએ આવતા થયા છે. તેમણે દરેક બાળક શિક્ષણ મેળવે અને શાળાઓમાં પોષણક્ષમ આહાર મળે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉપરાંત દરેક બાળક ભણે અને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.‘ઉત્સવ....બાળકોના સર્વાંગી વિકાસનો’ ના સૂત્ર સાથે ‘પ્રવેશોત્સને સમાજોત્સવ બનાવવા’ના ઉદેશ્યથી સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા કાર્યક્રમોની સાથે મોરબીમાં નાની વાવડી ખાતે આયોજિત કાર્યક્રમમાં આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવા પ્રવેશપાત્ર બાળકોને કલેક્ટર સહિતના મહાનુભાવોએ હરખભેર આવકાર્યા હતા. મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમને ઉષ્માભેર શાળામાં વધામણા કરવામાં આવ્યા હતા અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કલેક્ટર સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નાની વાવડી ખાતે આંગણવાડીમાં 12 કુમાર અને 16 કન્યા મળી 28 બાળકો, ધોરણ 1 માં 46 કુમાર અને 36 કન્યા મળી 82 બાળકો તથા ધોરણ 9 માં 30 કુમાર અને 32 કન્યા મળી 62 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ઉપરાંત કલેક્ટરે આંબાવાડી શાળા અને રાજપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે કુલ 147 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા, તાલુકા પંચાયતના સદસ્ય રમાબેન રૂપાલા, મદદનીશ પશુપાલન નિયામક ડો. એન.જે. ફળદુ, સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરા, નાની વાવડી ગામના અગ્રણીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકો, વાલીઓ અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.