કાર્યક્રમમાં શાળામાં સામાજિક વિજ્ઞાન વર્ગખંડ ઉદ્ઘાટન કરાયું મોરબી : મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળા ખાતે નવા શૈક્ષણિક વર્ષ 2025-26ના આરંભ નિમિત્તે આજે 26 જૂન ને ગુરુવારના રોજ પ્રવેશોત્સવનો ભાવ સભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી તથા બાલવાટિકામાં પ્રવેશ લેનાર બાળકો અને તેમના માતા પિતા તથા અતિથિઓનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય અધ્યક્ષ સ્થાને સંજયભાઈ સોની (ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકા), ડી.એમ. ડાભી (જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મોરબી), રાંકજા સુરેશભાઈ (સી.આર.સી ), દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક), ભાનુબેન નગવાડિયા, સ્ટાફ મિત્ર, વાલીગણ અને ભૂલકાઓની ઉપસ્થિતિમાં દિપપ્રજવલન દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અતિથિઓનું સન્માન શાળાના આચાર્ય મનીષભાઈ યાજ્ઞિક તથા સ્ટાફ મિત્રો દ્વારા કર્યા બાદ શાળાના શિક્ષક રમેશભાઈ કાલરીયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળાની ભવિષ્ય દ્રષ્ટિ ઉપર પ્રકાશ પાડ્યો હતો તથા મહેમાન સંજયભાઈ તથા ડાભી સાહેબે વાલીઓને શાળાની શિક્ષણ પદ્ધતિ, નિયમો અને બાળકોના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમની રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું. બાળકોને પ્રોત્સાહન માટે દેવેનભાઈ રબારી તરફથી નવા પ્રવેશપાત્ર બાળકોને સ્કૂલબેગ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે શાળામાં સામાજિક વિજ્ઞાનના વર્ગખંડનું અતિથિઓના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે રૂમ ભવિષ્યના સજાગ, જવાબદાર અને જાગૃત નાગરિકો અને ઘડવાનું એકમ મહત્વપૂર્ણ માધ્યમ બનશે. વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં પણ આપણા દેશનો ઇતિહાસ ,નકશા, બંધારણ અને સમાજ જીવનની ઊંડાણપૂર્વક સમજ પણ મેળવી શકશે. આ રીતે સાર્વજનિક પ્રાથમિક શાળા પરિવારના સહિયારા પુરુષાર્થથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.