મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) મોરબી શાખાના સંયુક્ત ઉપક્રમે ગત તારીખ 26/06/25ના રોજ મોરબી ખાતે ગર્ભ સંસ્કાર પર આધારીત વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય ગર્ભાવસ્થામાં માતા પિતા દ્વારા સંસ્કાર સંચરણની જાગૃતિ ફેલાવવાનું રહ્યું હતું.આ સેમિનારમાં વિશેષ રૂપે આમંત્રિત મુખ્ય વક્તા ડો. જયેશભાઈ પનારા (ગાયનેકોલોજિસ્ટ, કલરવ હોસ્પિટલ) અને ડો. ચિરાગભાઈ વિડજા (આયુર્વેદાચાર્ય, શ્રીવેદ પંચકર્મ હોસ્પિટલ)એ ગર્ભ સંસ્કાર વિષયને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને સ્તરે રજૂ કર્યો હતો. તેમણે સમજાવ્યું કે, ગર્ભાવસ્થા માત્ર શારીરિક નહીં, બૌદ્ધિક અને સાંસ્કૃતિક વૃદ્ધિ માટે પણ પાયો છે. બાળકનું વર્તન અને સ્વભાવ તેના જન્મ પહેલા જ નિર્મિત થવાનું શરૂ થઈ જાય છે. સેમિનારમાં એ વાત પણ ઉમેરવામાં આવી કે, આપણા ઋષિ પરંપરાએ જેમ ગર્ભ સંસ્કારને જીવનની શ્રેષ્ઠ તૈયારી માન્યો છે, તેમ આજના યુગમાં તેને વૈજ્ઞાનિક રીતે સમજવી જરૂરી છે. ભવિષ્યના નાગરિકોને યોગ્ય સંસ્કારોથી સંજોડવા માટે માતા-પિતા બંનેનું ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે સજ્જ હોવું અનિવાર્ય છે.આ સેમિનારમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 70થી વધુ લોકોને ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં સુંદર જાણકારી મેળવી હતી. ડૉક્ટર્સ, શિક્ષકો, દંપતી અને સમાજના હોદ્દેદારોએ પણ સહભાગીતા દર્શાવી હતી. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિંમતભાઈ મારવાણીયા, ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી, IMAમાંથી ડો. અંજનાબેન ગઢિયા, ભારત વિકાસ પરિષદના મહિલા સહભાગીતા દર્શનાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલભાઈ બરાસરા દ્વારા અસરકારક રીતે કરાયું હતું.