બિસ્માર રોડ રસ્તા, ગંદા પાણીનું વિતરણ જેવી અનેક સમસ્યાઓથી શહેરીજનો પરેશાન હોવાનો દાવોવાંકાનેર : શહેરમાં મોટાભાગના રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય, ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયા હોય, ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય જેથી શહેરીજનોને ગંદુ અને દુર્ગંધ મારતું પાણી વિતરણ થતું હોય સહિતના મુદ્દે વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે. તેમજ ઉપરોક્ત મુદ્દે ત્વરીત કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં છે, જીનપરા રોડ, મિલપ્લોટ રોડ, વીસીપરા રોડ, લક્ષ્મીપરા રોડ વગેરે વિસ્તારમાં મોટા ખાડાઓ પડી ગયા હોય અવાર નવાર અકસ્માતના બનાવો બને છે, આ ઉપરાંત બસસ્ટેન્ડ રોડ, આરોગ્યનગર વિસ્તારમાં ભર ચોમાસે પાઇપલાઇન નાખવા ખાડા ખોદાયા છે અહીં નજીકમાં જ સ્કુલ, કોલેજ, હોસ્પિટલ હોય મોટી સંખ્યામાં લોકો આ ખાડાઓનો ભોગ બને છે. આ ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય જેથી શહેરના નાગરિકો ગંદુ અને દુર્ગંધ મારતું પાણી પીવા મજબૂર બન્યા છે.વધુમાં જણાવ્યું છે કે વાંકાનેર નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની પ્રિમોનસુન કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે વરસાદનું અને ગટરનું પાણી લોકોના ઘરમાં ભરાય છે. ઉપરોક્ત તમામ મુદ્દે કડક અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે. જો આ તમામ સમસ્યાનો હલ ટૂંક સમયમાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.