વરસાદમાં રોડ ઉપર પાણી ભરાતાં ખાડાઓ દેખાતા નથી, અનેક વાહનોના અકસ્માત સર્જાઈ છેવાંકાનેર : વાંકાનેર શહેરમાં વરસાદ બાદ શહેરનાં મુખ્ય રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. શહેરનાં જીનપરા મેઈનરોડ, મિલપ્લોટ સહિતનાં રસ્તાઓ પર ખાડા પડી ગયા છે એ જોતાં એવું લાગી રહ્યું છે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ, ત્યારે તાત્કાલિક રસ્તાઓ રીપેર કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.વાંકાનેર શહેર જાણે વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે. વાંકાનેર શહેરમાં સામાન્ય વરસાદ પડે કે સારો એવો વરસાદ પડે ત્યાં રોડ અને રસ્તાઓની હાલત કફોડી બની જાય છે. જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓ પડે છે, અને વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વાંકાનેર શહેરના જીનપરા વીસીપરા રાજકોટ મેઈનરોડ સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા બાદ રોડ પર મસમોટા ખાડાઓ પડતા વાહનચાલકો પરેશાન થતાં જોવા મળે છે અને તાત્કાલિક રોડ રસ્તાઓ સારા બને તેવી વાહનચાલકો માંગ કરતા હોય છે.વાંકાનેર શહેરમાં છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદ હોય કે સારો એવો વરસાદ પડે એટલે રોડ પર ખાડાઓ જોવા મળે છે. વાહનચાલકો જ્યારે પોતાનું વાહન કે બાઇક લઈને નીકળે છે ત્યારે રોડ પર પાણી ભરાયેલા હોવાથી રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી અને વાહનચાલકો અચાનક ખાડામાં પોતાના બાઇક અને કારને નાખે છે અને અકસ્માત પણ સર્જાય છે. પોતાના વાહનને નુકશાન પણ થાય છે ત્યારે વહેલામાં વહેલી તકે રોડ પર ખાડાઓ બુરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો માગ કરી રહ્યા છે.