પ્રાથમિક સુવિધા પૂરી પાડવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન અપાયુંમોરબી : મોરબીની નવી પીપળી વિસ્તારમાં આવેલી ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી અને સિલ્વર પાર્ક સોસાયટીના રહીશોએ આજે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની માગ સાથે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર આપવા ગયેલા રહીશોએ કચેરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂરી પાડવા ઉગ્ર માંગ કરી હતી. રહીશોના જણાવ્યા પ્રમાણે તેમના વિસ્તારમાં 2008થી અત્યાર સુધી સ્ટ્રીટ લાઈટ નાખવામાં નથી આવી. સોસાયટીમાં રોડ-રસ્તાની હાલત ખરાબ હોવાથી ચોમાસામાં પાણી ભરાય છે અને સ્કૂલના વાહનો બાળકોને લેવા માટે સોસાયટીમાં આવી શકતા નથી. આ અંગે અનેક વખત પીપળી પંચાયતમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.ઉપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, પીપળી ગ્રામ પંચાયત વિસ્તારમાં અમારી ત્રણ સોસાયટી આવેલી છે. જેમાં ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી અને સિલ્વર પાર્ક. અમારી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અમારી સોસાયટીમાં રોડ રસ્તા, પાણી, લાઈટ, ભુગર્ભ ગટરના પ્રશ્નો છે. વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. નેતાઓ મત માંગવા આવે ત્યારે કહે છે કે વિકાસ કરીશું પરંતુ 30 વર્ષથી સાશન હોવા છતાં અમારા વિસ્તારમાં વિકાસના નામે મીંડુ છે. જો કામ નહીં થાય તો આગામી ચૂંટણીમાં નેતાઓને અમારી સોસાયટીમાં આવવા દઈશું નહીં. આ મામલે આજે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને આવેદન પત્ર આપીને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે.મહિલા રહીશે જણાવ્યું હતું કે, નેતાઓ ચૂંટણી સમયે ખોટા વાયદાઓ આપે છે. રોડ રસ્તા ખરાબ હોવાથી સ્કૂલના વાહનો પણ બાળકોને લેવા-મૂકવા માટે આવતા નથી. સરપંચને વારંવાર રજૂઆત કરી છે પરંતુ સરપંચ કામ કરવાની ના પાડી રહ્યા છે.આ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટે જણાવ્યું હતું કે, નવી પીપળીના રહીશોએ આજે લેખિત રજૂઆત કરી છે. તેથી જિલ્લા પંચાયત કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપીને ગામમાં ખૂટતી સુવિધાઓ છે તે ઝડપથી પૂર્ણ કરવા જણાવીશું. પાણી પણ નિયમિત પણે મળે તેની પણ સૂચના આપી દેવામાં આવશે. આમ સત્વરે પ્રશ્નોનો નિકાલ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે.