નર્મદાના નાંદોદમાં 9 ઈંચ, દાહોદ-તિલકવાડામાં 8 ઈંચ, શહેરા -વાપીમાં 7 ઈંચ અને બારડોલીમાં 5 ઈંચ મોરબી : રાજ્યમાં સમયસર ચોમાસાના આગમન બાદ મેઘરાજા સાર્વત્રિક વરસાદ વરસાવ્યા બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મુકામ કરી સાંબેલાધારે વરસાદ વરસાવી રહ્યા છે, ગઈકાલે સોમવારે સુરતમાં મેઘરાજાએ 13 ઈંચ પાણી વરસાવ્યા બાદ મંગળવારે નર્મદા, દાહોદ, પંચમહાલ, વલસાડ, છોટા ઉદેપુર અને સુરત સહિતના જિલ્લામાં ધોધમાર વરસતા નર્મદાના નાંદોદમાં સાંજના છ વાગ્યા સુધીમાં જ 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદ-તિલકવાડામાં 8 ઈંચ, શહેરા -વાપીમાં 7 ઈંચ અને બારડોલીમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.જો કે, મંગળવારે સૌરાષ્ટ્રમા મેઘવિરામ જેવી સ્થિતિ જોવા મળી હતી મંગળવારે વહેલી સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાત ઉપર ઓળઘોળ બન્યા હતા જેમાં સવારે 6થી 8ના બે કલાકના સમયગાળામાં જ સુરતના બારડોલીમાં ચાર ઈંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતા અને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા આશાપુરા મંદિર તરફ જતો માર્ગ બંધ કરાયો હતો. બીજી તરફ અરવલ્લી જિલ્લાના મોડાસાના મોતીપુરામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ વચ્ચે બે કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસતા 15 ગામમાં જવાનો માર્ગ બંધ થઈ ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ રાજ્યમાં સવારે 6થી સાંજના છ વાગ્યા દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ નર્મદાના નાંદોદમાં 9 ઈંચ, દાહોદ-તિલકવાડામાં 8 ઈંચ, શહેરા -વાપીમાં 7 ઈંચ, જેતપુર પાવીમા 6 ઈંચ, ધરમપુર અને પારડીમાં 5.5 ઈંચ, સોનગઢ,ગરુડેશ્વર, વ્યારા અને બારડોલીમાં 5 ઈંચ, ગોધરા, મોરવા હડફ, ખેરગામ,હાલોલ અને સંખેડામાં સાડાચાર ઈંચ, લુણાવાડા, નેત્રંગ, મોડાસા, સીંગવડ, જાંબુઘોડા, બોડેલી, લીમખેડા અને ડેડિયાપાડામાં ચાર ઈંચ, સુરતના ઉમરપાડા, માંડવી, મહુવા અને મહીસાગરના વીરપુરમાં સાડાત્રણ ઈંચ અને સુરત શહેરમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જો કે, મંગળવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સાંજ સુધી વિરામ લીધો હોય તેમ ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા.રાજ્યમાં 21 ટકા વરસાદ, 32 લોકોના મૃત્યુ : ઋષિકેશ પટેલ ચાલુ વર્ષે રાજ્યમાં સમયસર ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે, રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 21 ટકા વરસાદ વરસ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસામાં ચાલુ સિઝનમાં 32 વ્યક્તિઓના મોત થયા છે.