જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મતગણતરી કેન્દ્રોની વિસ્તારમાં પ્રતિબંધિત જાહેરનામુ પ્રસિદ્ધમોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની પેટા /મધ્ય સત્ર /સામાન્ય ચૂંટણી - 2025 અન્વયે આગામી 25-6-2025ના રોજ મતગણતરી કરવામાં આવનાર છે. જેમાં મોરબી ગ્રામ્ય તાલુકાની મતગણતરી પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે, માળીયા (મી) તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ નાની બરાર ખાતે, ટંકારા તાલુકાની મતગણતરી ગ્રાઉન્ડ ફ્લોર, જમણી સાઈડ રૂમ નંબર 1 અને 2 તથા ડાબી સાઇડ પ્રાર્થનાખંડ, ઓરપેટ કન્યા છાત્રાલય કેમ્પસમાં આવેલ શ્રી રેવીબેન ઓધવજીભાઈ વિમેન્સ કોલેજ ખાતે, વાંકાનેર તાલુકાની મતગણતરી અમરસિંહજી હાઇસ્કૂલના પ્રથમ માળ સભાખંડ ખાતે તથા હળવદ તાલુકાની મતગણતરી મોડેલ સ્કૂલ હળવદ ખાતે કરવામાં આવશે.આ મતગણતરી કેન્દ્રો ખાતે તારીખ 25-6-2025ના રોજ મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહીં તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, IAS દ્વારા મતગણતરી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં વિવિધ કૃત્ય પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અમલમાં મૂકવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈશ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ્સ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશપાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. મતગણતરી કેન્દ્રની આસપાસના 200 મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં.કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ સહિતના પ્રીમાઇસીસમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશપાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઇસ્યુ કરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નક્કી કરેલ પાર્કિંગ સ્થળે જ વાહન પાર્કિંગ કરવાનું રહેશે.મતગણતરી તેમજ મત ગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારી /કર્મચારીઓ તથા ફરજ પરના પોલીસ એસઆરપી હોમગાર્ડના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.