આમ આદમી પાર્ટી દ્વારા ઠેક-ઠેકાણે ઉજવણીનું આયોજન : કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત મોરબી : વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. જ્યારે કડી બેઠક ઉપર ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થઈ છે.આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં જિટીયુ- આઇટીઆર, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં પરિણામ જાહેર થયા છે.વિસાવદરમાં ભાજપમાંથી કિરીટ પટેલ, આપમાંથી ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસમાંથી નિતીન રાણપરિયા ઉમેદવાર હતા. જેમાં આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ છે. વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે. આપને 75906, ભાજપને 58325 અને કોંગ્રેસને 5491 મત મળ્યા છે.કડી વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે. તેમણે રેકોર્ડ બ્રેક 38,904 મતોની લીડ સાથે જીત મેળવી છે. ભાજપને કુલ 98,836 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યા હતા, અને 1,692 મત નોટાને મળ્યા હતા.