સાયબર ગઠિયાએ વોટ્સએપમાં મોકલાવેલ apk ફાઇલ ખોલતા જ બેન્ક એકાઉન્ટમાંથી ધડાધડ નાણાં ઉપડી ગયામોરબી : ઈન્ટરનેટના આજના યુગમાં દિવસેને દિવસે સાયબર છેતરપિંડીના અવનવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના શિક્ષક દંપતીને સાયબર ગઠિયાએ આરટીઓ ચલણની apk ફાઇલ મોકલી બેન્ક એકાઉન્ટમાંથી 24.34 લાખ રૂપિયા ઉપાડી લેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.છેતરપિંડીના આ બનાવ અંગે મોરબીના ન્યુ ચંદ્રેશનગરમા રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા કાજલબેન સવજીભાઈ ગામીએ અજાણ્યા વોટ્સએપ નંબર ધારક તેમજ સાત અલગ અલગ ક્રેડ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.13 જુનના રોજ તેમના શિક્ષક પતિ વિરેનભાઈ ધીરજલાલ સદાતીયાના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી આરટીઓના ચલણ અંગેની એક apk ફાઇલ આવતા તેમના પતિના મોબાઈલમાં આ ફાઇલ ન ખુલતા તેમના પતિ વિરેનભાઈએ apk ફાઇલ ફરિયાદી કાજલબેનના વોટ્સએપમાં મોકલી હતી.બાદમાં કાજલબેને આરટીઓ ચલણ અંગેની આ apk ફાઇલ ખોલતા જ apk ફાઇલ હાઇડ થઈ ગઈ હતી. જે બાદ તેમના પતિ કાજલબેનને ફોન કરતા હોય ફોન ડાયવર્ટ થયેલ બતાવતો હોવાથી કાજલબેન ચોકી ગયા હતા અને તેઓને શંકા જતા બેન્ક એકાઉન્ટ ચેક કરતા અજાણ્યા સાત ક્રેડ એકાઉન્ટ ધારક દ્વારા કાજલબેનના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 26 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાનું સામે આવ્યું હતું.જો કે કાજલબેને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો ખ્યાલ આવતા જ દંપતીએ એચડીએફસી બેંકનો સંપર્ક સાધ્યો હતો.પરંતુ બેંકમાં રજા હોવાથી કોઈ પગલાં ન લેવાતા તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ કરતા બીજા દિવસે બેન્ક એકાઉન્ટમાં 1.50 જેટલી રકમ જમા થઈ હતી. બનાવ અંગે કાજલબેનની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આઇટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે કાજલબેન નેટ બેન્કિંગ યુઝ ન કરતા હોવા છતાં એક અજાણ્યો વોટ્સએપ apk મેસેજ ખોલતા જ ગઠિયાઓએ નેટબેન્કિંગથી મસમોટી રકમની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.