એક મતદાન મથકે 5 લોકોનો સ્ટાફ ફરજ બજાવશે, કુલ 337 પોલિંગ સ્ટાફ અને 113 રિઝર્વ સ્ટાફમોરબી : સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ કાલે રવિવારે ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્રીય અને પેટા ચૂંટણી યોજાનાર છે. જેને લઈને આજે ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ તાલુકા મથકોએથી ચૂંટણી સાહિત્ય લઈને મતદાન મથકોએ જવા રવાના થયો છે. સાંજે તમામ સ્ટાફ મતદાન મથકોનો કબ્જો સંભાળી લેશે.મોરબી જિલ્લામાં સમરસ અને બિનહરીફ પંચાયતોને બાદ કરતા હવે 40 ગામોમાં રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 27 ગામોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે, જયારે 5 ગામોમાં સરપંચની પેટા ચૂંટણી તેમજ 4 ગામોમાં સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી થશે. ચૂંટણી માટે 15 ઝોનલ અધિકારીની નિમણુંક કરી દેવાય છે. મોરબી જિલ્લામાં કુલ 79 મતદાન મથકો ઉપર મતદાન થનાર છે જેમાં ભૂતકાળના બનાવોને ધ્યાને લઇ તંત્ર દ્વારા 49 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જિલ્લામાં 377 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. જ્યારે 113 જેટલો સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે.