આ ગરબા ક્લાસિકમાં અત્યાર સુધીમાં 2000થી વધુ ભાઈઓ-બહેનો અને બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યુંમોરબી : મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતા કસ્તુરબેન ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ત્રણ મહિના સુધી નિ:શુલ્ક ગરબા ક્લાસિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત તા. 19 જૂનના રોજ મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ગરબા ક્લાસિકનું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે ટંકારા નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, મહિલા પીઆઈ લઘધીરકા, ભાજપ અગ્રણી ભાવેશભાઈ કંઝારિયા, ભુપતભાઇ જારીયા, વિજયભાઈ વ્યાસ, રવાપર પૂર્વ સરપંચ ગોપાલભાઈ કાસુન્દ્રા, વિજયભાઇ ભાડજા, નિવૃત આર્મીમેન સહદેવસિંહ, વકિલ દિલીપભાઈ અગેચણીયા, ધનશ્યામસિંહ ઝાલા, પરેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.શુભારંભની શરૂઆતના પ્રથમ દિવસે જ વિશાળ ગ્રાઉન્ડમાં સંગીતના સથવારે આવનવા પોશાકમાં સજ્જ ખેલૈયાઓ ભારે ઉત્સાહ સાથે મનભરી ગરબે ઘૂમ્યા હતા અને નવલા નોરતાની યાદો તાજા કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે મોરબીના ભાઈઓ-બહેનો તથા બાળકોને નિ:શુલ્ક ગરબા શીખડાવવાનું આયોજન કરાયું છે. આ ગરબા ક્લાસિકમાં અત્યાર સુધીમાં 2000થી વધુ ભાઈઓ-બહેનો અને બાળકોએ આ ગરબા ક્લાસિકમાં રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જેમાં મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ તથા મહેન્દ્રનગર ચોકડી પાસે શિવાલીકા કોમ્પ્લેક્સ ખાતે વિનર્સ ડાન્સ એકેડમી ડાયરેક્ટર સંજયભાઈ વ્યાસ તથા તેમની કોરિયોગ્રાફરની ટીમ દ્વારા ગરબા શીખડાવવામાં આવશે.