ટંકારા : તાલુકાના જબલપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 52 વર્ષીય પ્રવિણભાઈ ભીમજીભાઈ પરમાર બિનહરીફ ચૂંટાયા છે. વ્યવસાયે ખેતીકામ અને બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા પ્રવિણભાઈ અભ્યાસુ અને સમાજના વિકાસ માટે સમર્પિત વ્યક્તિ તરીકે જાણીતા છે. તેમની નિષ્ઠાવાન કામગીરી અને ગામના વિકાસ પ્રત્યેના સકારાત્મક અભિગમને કારણે ગ્રામજનોએ તેમને આ પદ માટે નિર્વિવાદ સમર્થન આપ્યું હતું.સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા બાદ પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, 'મારો મુખ્ય ધ્યેય જબલપુર ગામનો સર્વાંગી વિકાસ કરવાનો છે. ગ્રામજનોના સહકારથી આપણે સૌ સાથે મળીને ગામને આદર્શ ગામ બનાવીશું.' તેમની આ નેતૃત્વ શૈલી અને વિકાસલક્ષી દૃષ્ટિકોણથી ગામના યુવાનો અને વડીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જબલપુર ગામના નાગરિકોને આશા છે કે, પ્રવિણભાઈના નેતૃત્વ હેઠળ ગામ નવી ઉંચાઈઓ સર કરશે અને ટંકારા તાલુકામાં એક આદર્શ ગામ તરીકે ઓળખાશે.