મોરબી : મોરબીના લાતી પ્લોટ-2માં રસ્તો બેસી જવાના કારણે અનેક વાહનો ફસાઈ રહ્યા હતા. ત્યારે મહાપાલિકા દ્વારા આ રસ્તા પર મોરમ અને ભૂકી નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે આ કામ કરવા માટે આવેલા મહાપાલિકાના વાહનો પણ ફસાઈ જવાની સમસ્યા સર્જાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર લાતી પ્લોટ-2માં મહાપાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનું યોગ્ય રીતે બુરાણ કરવામાં ન આવતા અહીં પ્રથમ વરસાદના રાઉન્ડમાં જ રસ્તો બેસી ગયો હતો. જેના કારણે ઠેર ઠેર વાહનો ફસાવવાનો સિલસિલો જોવા મળ્યો હતો. આ મામલે વેપારીઓમાં પણ ભારે રોષ જન્મ્યો હોય મહાપાલિકા દ્વારા આ રસ્તાઓ ઉપર મોરમ અને ભૂકી નાખી તેને રીપેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ મહાપાલિકાના વાહનો જે ભૂકી નાખવા આવ્યા હતા. તે પણ અહીં રસ્તામાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.