ખેડૂતોએ મામલતદારને લેખિત રજૂઆત કરીને કાર્યવાહી કરવા જણાવ્યુંહળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના ખેડૂતોએ મામલતદારને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, તેમના ખેતરની બાજુમાં આવેલી ખાનગી કંપનીએ પાણીનો નિકાલ બંધ કરી દેતાં વરસાદી પાણી ખેતરમાં ભરાય જાય છે અને પાકને નુકસાન થઈ રહ્યું છે.જુના દેવળીયા ગામના ખેડૂતો ગવરીબેન નરભેરામભાઈ ભોરણીયા, ભાવનાબેન કિરીટભાઈ પટેલ, રૂપજીભાઈ દેવજીભાઈ પટેલ અને જોશનાબેન શંકરભાઈ પટેલે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમના ખેતરની બાજુમાં વેસ્ટન કન્ટનર ઝોન કંપની આવેલી છે. આ કંપનીએ કુદરતી પાણીનો વરસો જૂનો નિકાલ થતો હતો તે બંધ કરી દીધો છે જેથી વરસાદી પાણી તેઓના ખેતરમાં ભરાય ગયા છે. જેના કારણે ખેતરમાં ઉભા પાકને પારાવાર નુકસાન થયું છે. તેથી તાત્કાલિક ધોરણે સ્થળ પર ખરાઈ કરીને આ કંપનીએ વરસાદી પાણીનો નિકાલ બંધ કર્યો છે તે ખુલ્લો કરવામાં આવે તેમજ કંપની સામે પગલાં લેવામાં આવે. જો આ અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતોએ કોર્ટમાં જવાની અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.