કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી સેવા વિશે કરી જાહેરાત : વાર્ષિક પાસની સેવા 15 ઓગસ્ટ 2025થી થશે લાગુમોરબી : હવે ફાસ્ટેગનો પણ વાર્ષિક પાસ નીકળશે. જેની કિંમત રૂ. 3000 હશે. આ નવો વાર્ષિક પાસ 15 ઓગસ્ટ, 2025થી અમલમાં મુકાશે. તેવી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે. આ જાહેરાતથી નિયમિત ધોરણે મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકોને લાભ થશે.નીતિન ગડકરીએ એક્સ પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક ઐતિહાસિક પહેલના ભાગરૂપે 15 ઓગસ્ટ, 2025ના રોજથી રૂ. 3000ની કિંમતમાં FASTag નો વાર્ષિક પાસ શરૂ થશે. આ પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ અથવા 200 મુસાફરી સુધી માન્ય ગણાશે. આ પાસ માત્ર નોન-કોમર્શિયલ ખાનગી વાહનો (કાર, જીપ, વેન સહિત) માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે દેશભરના નેશનલ હાઈવે પર અડચણ મુક્ત મુસાફરી શક્ય બનાવશે. આ વાર્ષિક પાસ એક્ટિવ અને રિન્યુ કરવા માટે ટૂંક સમયમાં રાજમાર્ગ યાત્રા એપ અને NHAI / MoRTHની સત્તાવાર વેબસાઈટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પરથી આ વાર્ષિક પાસ સેવાનો લાભ લઈ શકાશે. આ પોલિસી 60 કિમીના અંતરમાં સ્થિત ટોલ પ્લાઝા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરશે અને સુલભ ટ્રાન્જેક્શનના માધ્યમથી ટોલની ચૂકવણી સરળ બનાવશે. જેનાથી હવે ખાનગી વાહનોને ટોલ પ્લાઝા પર લાગતો સમય બચી શકશે. ટ્રાફિક પણ ઘટશે. કિંમત અને નિયમ● 3000 રૂપિયામાં મળશે ફાસ્ટેગ વાર્ષિક પાસ● વાર્ષિક પાસ સેવાનો લાભ એક વર્ષ સુધી અથવા 200 ટ્રીપ સુધી લઈ શકાશે.● રાજમાર્ગ યાત્રા એપ તથા NHAI / MoRTHની સત્તાવાર વેબસાઈટ પરથી ફાસ્ટેગ પાસ સેવાનો લાભ લઈ શકાશે● 15 ઓગસ્ટ, 2025થી શરૂ થશે ફાસ્ટેગ વાર્ષિક પાસ સેવા