એક ગામમાં વીજ પુરવઠો ખોરવાયેલો : 94 ખેતીવાડી ફીડર બંધ હાલતમાં મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના બે દિવસના રાઉન્ડમાં અનેક જગ્યાએ વીજ વિક્ષેપ પડયા છે. હજુ પણ 5 ઔદ્યોગિક ફીડર બંધ હાલતમાં હોય, ઉદ્યોગોને ભારે હાલાકી વેઠવી પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. જો કે આજે મેઘસવારીએ વિરામ લીધો હોય તેવો માહોલ સર્જાયો છે. આ વરસાદના કારણે વીજળીને લગતી ફરિયાદોનો ઢગલો થયો છે. સામે પીજીવીસીએલની ટિમો પણ ઊંધા માથે કામે લાગેલી છે. પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસે બપોરે 12 વાગ્યાની સ્થિતિએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાયુ છે કે મોરબી વર્તુળ કચેરી વિસ્તારના 5 ઔદ્યોગિક ફીડર બંધ છે. એક ગામમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ સાથે 94 ખેતીવાડી ફીડર બંધ હાલતમાં છે. આ ઉપરાંત 25 વીજ પોલ અને 2 ટીસી ડેમેજ થયા છે.