મોટા ખાડા વાહનો માંડ પસાર કરી શકતા હોવાથી દરરોજ ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છેમોરબી : મોરબીના પીપળી- જેતપર રોડ ઉપર 30 મીટર જેટલું રોડનું કામ બાકી રાખી દેવાતા દરરોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતાએ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ કામ કરાવવામાં આવે તેવી ઉદ્યોગકારોએ માંગ ઉઠાવી છે. મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થાય છે. આ વિસ્તાર સિરામિક ઝોન હોવાથી સવાર- સાંજ કર્મચારીઓની પણ અવર જવર હોવાથી સાથે હેવી વાહનોનો પણ ટ્રાફિક હોય છે. આ રોડ ઉપર પોલાવા ટાઇલ્સ શો રૂમની સામેની બાજુ અંદાજે 30 મીટર જેટલા રોડનું કામ બાકી રાખી દેવામાં આવ્યું છે. આ 30 મીટરમાં મોટા ખાડા છે. જેમાંથી વાહન પસાર કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કપરૂ કામ છે. આ સમસ્યાના કારણે સવારે અને સાંજે અહીં ટ્રાફિક જામ થયા કરે છે. ત્યારે આ 30 મીટર બાકી રહેલું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી ઉદ્યોગકારોએ માંગ ઉઠાવી છે.