મોરબી : ગુજરાત રાજ્યમાં સરકારી શાળામાં ટૂંક સમયમાં પ્રવેશોત્સવ યોજાનાર છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકર અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, ગુજરાતની સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરો પછી જ પ્રવેશોત્સવના તાયફા કરો નહીંતર વિરોધ કરવામાં આવશે.કાન્તિલાલ બાવરવાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘણી મોટી ઘટ છે. પરંતુ સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી. ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ શિક્ષકો ભરવાની પરમિશન આપવામાં આવતી નથી. જેથી સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને ખાનગી શાળાને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર પ્રવેશોત્સવના તાયફાઓ કરી રહી છે. જો પ્રવેશોત્સવ પહેલા શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં દરેક જિલ્લા/તાલુકામાં પ્રવેશોત્સવનો જાહેરમાં વિરોધ કરીશું.