શહેરના અનેક પોઇન્ટ ઉપર ટ્રાફિક નિયમોનું ભંગ કરતા સ્કૂલ વાહનો અને સ્કૂટર લઈ જતા વિદ્યાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી શરૂમોરબી : મોરબીમાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને વાહન આપતા ચેતજો. કારણકે પોલીસ દ્વારા આજથી ત્રણ દિવસ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પોલીસ દ્વારા શાળાઓ ખુલી ત્યારથી એક અઠવાડિયા સુધી શાળાઓમાં જઈને સૂચનાઓ આપવામાં આવી હતી કે 18 વર્ષથી નીચેનું કોઈ બાળક સ્કૂટર કે અન્ય વાહન લઈને શાળાએ ન આવે. ઉપરાંત સ્કૂલ વાહનો પણ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને તમામ ડોક્યુમેન્ટ સાથે રાખે. આ સૂચનાઓ જારી કર્યા બાદ હવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમોએ આજથી ત્રણ દિવસ ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં મહેન્દ્રનગર ચોકડી, મહારાણા પ્રતાપ સર્જલ, નટરાજ ફાટક, કેસરબાગ પાસે, ઉમિયા સર્કલ પાસે સહિતના પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજના પ્રથમ દિવસે સવારે અનેક વિદ્યાર્થીઓ અને સ્કૂલ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.