રોડ નવો બન્યોને બે વર્ષમાં જ ખાડા-ખબડા પડી ગયા, ગેરેન્ટી પિરિયડ ચાલુ હોવાથી કોન્ટ્રાક્ટના ખર્ચે રીપેરીંગ કામ શરૂ થયું પણ લોટ- પાણીને લાકડા જેવું : સિમેન્ટ રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં ડામરના થિગડા લગાવાયા મોરબી : મોરબીમાં આજે જુના રફાળેશ્વર રોડ ઉપર વરસાદી માહોલમાં થિગડા મારીને તંત્રએ બુધ્ધિનું પ્રદર્શન કર્યું હોવાની ઘટના સામે આવી છે. આખો ઉનાળો ચાલ્યો ગયો બાદમાં જ્યારે વરસાદી માહોલ શરૂ થયો ત્યારે છેક આ રોડનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો જુના રફાળેશ્વરના અંદાજે 7.5 કિમિના રોડનું કામ વિલંબમાં ચાલ્યું હતું. બે વર્ષ પહેલાં જ આ સિમેન્ટ રોડનું કામ પૂર્ણ થયુ હતું. આ રોડ ઉપર 45 જેટલા સિરામિક કારખાનાઓ તથા પેટા રોડ ઉપર 60થી વધુ કારખાનાઓ આવેલા હોય આ રોડની હાલત છેલ્લા દશેક વર્ષથી અતિ બિસ્માર હોય, ઉદ્યોગપતિઓની રજૂઆતને પગલે આ રોડ મંજુર થયો હતો. અંદાજે બે વર્ષ પૂર્વે જ અહીં સિમેન્ટ રોડનું કામ પૂર્ણ થયુ હતું. ત્યાં ઠેર ઠેર ખાડા પડી ગયા હતાં. જો કે રોડ ગેરેન્ટી પીરીયડમાં હોવાથી કોન્ટ્રાક્ટ દ્વારા આજે ખાડામાં ડામર વડે થિગડા મારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આખો ઉનાળો ચાલ્યો ગયો, બાદમાં વરસાદી માહોલ વચ્ચે પાણી ભરેલા ખાડામાં ડામરના થિગડા મારવામાં આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારી બાવરવાએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટને તો વહેલું કહેવામાં આવ્યું હતું. પણ તેને રોડનું રીપેરીંગ કામ કરવાનું ગઈકાલે નક્કી કર્યું હતું. કોન્ટ્રાક્ટને કહી દીધું છે કે અત્યારે વરસાદી વાતાવરણમાં રોડ રીપેર ન કરાય. આ રોડ ગેરેન્ટી પીરીયડમાં હોવાથી કોન્ટ્રાક્ટરના ખર્ચે રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે.