બાળકીને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા બાદ રાજકોટ સિવિલમાં રીફર કરાઈમોરબી : મોરબીમાં શ્વાન કરડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે જોધપર નદી ગામે એક બાળકી ઉપર શ્વાને હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. શ્વાને બાળકીને માથાના ભાગે બચકા ભરતા ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોધપર નદી ગામે કોળીવાસમાં રહેતી 5 વર્ષની બાળકી રોશની રામજીભાઈ આજે શેરીમાં રમી રહી હતી. ત્યારે એક શ્વાને તેના ઉપર હુમલો કરી માથાના ભાગે બચકા ભર્યા હતા. આ શ્વાન હડકાયું હોવાનું કહેવાય રહ્યું છે. શ્વાનના હુમલાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી બાળકીને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોરબી પંથકમાં શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ 13થી 15 જેટલા કેસો શ્વાન કરડવાના આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.