ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝરને જાનથી મારી નાખવા ધમકી : ડમ્પર ચાલક તેમજ ફોર્ચ્યુનરમાં આવેલ શખ્સો વિરુદ્ધ ફરિયાદવાંકાનેર : મોરબી જિલ્લામાં ખનીજ સંપદાની સરાજાહેર ચોરી કરી ખાણ ખનીજ વિભાગની સતત રેકી કરતા ખનીજ માફિયાઓ હવે બેફામ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મોરબી ખાણ ખનીજ વિભાગના અધિકારીએ રેતીની ખનીજ ચોરીમાં ઝડપી લીધેલું આઈવા ડમ્પર વાંકાનેર પોલીસ લાઈનમાં રખાવ્યા બાદ ફોર્ચ્યુનર કારમાં આવેલ બે શખ્સોએ આતંક મચાવી સિક્યુરિટી ગાર્ડને પાઇપ બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી પોલીસ મથકમાંથી ડમ્પર હંકારી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાણખનીજ વિભાગમાં માઇન્સ સુપર વાઇઝર તરીકે નોકરી કરતા ફરિયાદી વિરપાલસિંહ સતુભા જાડેજાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જીજે - 03-સીયું - 0018 નંબરના આઈવા ડમ્પર ચાલક તેમજ જીજે - 03 - કેએચ - 8390 નંબરની ફોર્ચ્યુનર કારમાં આવેલ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આઈવા ડમ્પરનો ચાલક રોયલ્ટી પાસ વગર સાદી રેતી ભરીને નીકળતા આઈવા ડમ્પર ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ લાઇન પાછળના ભાગે રાખવી સિક્યુરિટી ગાર્ડને ધ્યાન રાખવા બેસાડી પોતે આગળની કાર્યવાહી માટે જતા પાછળથી ફોર્ચ્યુનર કારમાં આવેલ બે શખ્સો અને આઈવા ડમ્પરના ચાલકે સિક્યુરિટી ગાર્ડ સાથે ગાળાગાળી કરી પાઇપ ઉગામી જાનથી મારી નાખવા ધમકી આપી બળજબરીથી આઈવા ડમ્પર હંકારી નાસી ગયા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.