રાજસ્થાનમાં 2, ભાવનગરના 2 અને મધ્યપ્રદેશના 1 વ્યક્તિના મૃતદેહની ઓળખ થઈ : અમદાવાદ સિવિલના પીએમ રૂમમાં ગઈકાલથી ૭૦ થી ૮૦ ડોક્ટર્સની ટીમ ખડે પડે મોરબી : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાંચ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. જે તમામ પાંચેય મૃતદેહોને તેમના પરિવારને સન્માન ભેર સોંપવામાં આવ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવામાં આવ્યું છે. એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ મોર્ટમ રૂમમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત ૭૦ થી ૮૦ ડોક્ટર્સ ગઈકાલથી ખડે પડે કાર્ય કરી રહ્યા છે. આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં ૨ રાજસ્થાન, ૨ ભાવનગર અને ૧ મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે. આમ, પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.