સવારે 5 વાગ્યે બન્યો બનાવ, ટ્રક ચાલકોએ હડતાલ પાડી ત્યાં જ ટ્રક ખડકી દેતા સાડા ચાર કલાક ટ્રાફિક રહ્યો, પોલીસ ફરિયાદની તજવીજ થતા મામલો થાળે પડ્યોહળવદ : હળવદ - અમદાવાદ હાઇવે ઉપર આવેલા સોરડી ટોલનાકે ડ્રાઇવર- ક્લીનરને માર મારવામાં આવતા ટ્રક ચાલકો વિફર્યા હતા. જેને કારણે સાડા ચાર કલાકથી ચક્કાજામ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સોરડી ટોલનાકે આજે સવારે 5 વાગ્યે ડ્રાઇવર અને ક્લીનરને કોઈ કારણોસર સોરડી ટોલનાકે માર મારવામાં આવ્યો હતો. ટોલનાકાના કર્મી અને પોલીસ જેવા દેખાતા લોકોએ ઉઘરાણા માટે માર માર્યો હોવાનું ડ્રાઇવરો જણાવી રહ્યા છે. જેને કારણે ટ્રક ચાલકોમાં રોષ ઉઠ્યો હતો. બનાવને પગલે ટ્રક ચાલકોએ પોતાના વાહનોના પૈડાં થંભાવી દીધા હતા. છેક 9:30 સુધી ચક્કાજામ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. બન્ને બાજુ પાંચથી 6 કિમિ વાહનોની લાંબી લાઇનો લાગી હતી. બીજી તરફ પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.આ મામલે ધ્રાંગધ્રાના ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું કે અજાણ્યા 4થી 5 લોકોએ ડ્રાઇવર અને ક્લીનરને માર માર્યો છે. બન્નેની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ પોલીસમેન સંડોવાયેલ હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.